સોનુ-ચાંદી અને રોકડ ગઈ : પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે નવાપરા વિસ્તારમાં રાત્રિના સમયે એક રહેણાંક અને એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. એક મકાનમાંથી રોકડ તો બીજા મકાનમાંથી સોના ચાંદી અને રોકડ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘનશ્યામપુર ગામે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતા દયારામ ભાઈ લક્ષ્મણભાઈ સોનગરાના રહેણાંક મકાનમાં ગતરાત્રિના કોઈ અજાણ્યા તસ્કરો ઘરની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી તેજુરીમાં રહેલ સોનાની બે બુટી,ચાંદીના ત્રણ જોડી સાંકરા,સોનાની એક બાલી તેમજ 50,000 જેટલી રોકડ રકમ ચોરી ગયા હોવાનું મકાન માલિક જણાવી રહ્યા છે. જ્યારે બાજુમાં જ બંધ રહેલ મકાનમાં રૂ.15,000 ની રોકડ લઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ બનાવને પગલે પોલીસ ઘનશ્યામપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવવામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ કરવાના બદલે માત્ર અરજી જ લેવામાં આવે છે.