ટંકારા : આજે 17 નવેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમૂલ્યો વ્યક્તિત્વ અને કાર્યોને જાણવા અને સમજવા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિપક્ષના નેતાઓને આમંત્રણ ન અપાયું હોય આ અંગે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાન મહેશભાઈ રાજકોટીયાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.મહેશ રાજકોટીયાએ જણાવ્યું છે કે, તંત્ર દ્વારા ભાજપના સાંસદ, ધારાસભ્યો અને તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો અને ભાજપના જ સંગઠનને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે જેથી આ કાર્યક્રમ શાસક પક્ષનો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ટંકારા વિરોધપક્ષ કોંગ્રેસના આગેવાનો કે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને સંગઠન અગ્રણીઓને આમંત્રણ ન આપી સત્તા પક્ષની કઠપુતળી બની કાર્યક્રમ યોજ્યો હોય તેવું લાગે છે. મહેશ રાજકોટીયાએ જિલ્લા કલેક્ટર સામે પણ આકરા પ્રહારો કર્યા છે અને સવાલો ઉઠાવ્યા છે.