નવી ગ્રીલ રોડથી ઘણી ઉંચી રહેતી હોવાથી ટ્રાફિક જામ : અનેક વાહનોના ટાયર ફાટયા : મહાપાલિકાએ લોકોની હાલાકી દૂર કરવાને બદલે વધારી દીધીમોરબી : મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કુંડીની તૂટેલી ગ્રીલ કાઢીને તેની જગ્યાએ નવી ગ્રીલ મુકવાને બદલે મહાપાલિકા તંત્રએ જૂની ગ્રીલની માથે જ નવી ગ્રીલ મૂકી દેતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. હાલ અહીં મહાપાલિકાના આ અંધેર તંત્રને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી બ્રિજના ગોકળ ગતિએ ચાલતા કામને કારણે કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. તેવામાં અહીં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાં પાસે જ એક કુંડીની ગ્રીલના સળિયા તૂટી ગયા છે. જે અંગે મોરબી અપડેટ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા મહાપાલિકાના અધિકારી પાર્થ રાઠોડે જણાવ્યું હતું કે કુંડીના ઢાંકણા બદલવાની કામગીરી ચાલુ છે. આ રોડ ઉપર 14 જેટલા ઢાંકણા છે. આ ઢાંકણા આવી ગયા છે. આજ રાત્રીના આ તૂટેલું ઢાંકણું બદલાઈ જશે. જો કે આ કામમાં મહાપાલિકાએ એટલી બધી ઉતાવળ કરી નાખી કે જૂની ગ્રીલ કાઢવાને બદલે જૂની ગ્રીલની ઉપર જ નવી ગ્રીલ ઠપકારી દીધી છે. પરિણામે અત્યારે અહીં અનેક વાહનોના ટાયર ફાટી ગયા છે. ઉપરાંત અહીં રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાઈ ગયો છે.