હાઇકોર્ટમાં મેટર વિવાદિત હોવા છતાં કલેકટરના નામે કંપની દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ : ખેડૂતે બે બાળકો અને પત્ની સાથે અંતિમ પગલું ભરી લેવાની ચીમકી ઉચ્ચારતો વીડિયો બનાવ્યો, હાલ પરિવાર ઘરે પણ નહીં, ફોન પણ બંધમોરબી : મોરબી અને માળીયા મિયાણા તાલુકામાં હેવી વીજ લાઇન પસાર કરવા અંગેના વિવાદિત ગેઝેટ સામે ગામે ગામથી ખેડૂતો કંપની સામે વિરોધમાં ઉતર્યા હોવા છતાં અદાણી કંપનીના માણસો કલેકટરમાં નામે પોલીસને સાથે રાખી ખેડૂતોના ખેતરમાં બળજબરીથી મહાકાય થાંભલા નાખી રહ્યા છે ત્યારે હાઇકોર્ટમાં મેટર હોવા છતાં પીલુડી ગામના ક્ષત્રિય ગૃહસ્થના ખેતરમાં થાંભલા નાખવા કાર્યવાહી કરવામાં આવતા આ ખેડૂતે બે બાળકો અને પત્ની સાથે ઝેરી દવા પી લેવાનો વીડિયો બનાવી લાપતા બની જતા ખળભળાટ મચી ગયો છે.સૌરાષ્ટ્રમાં સોલાર પાવર અને પવનચક્કી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં પૂરતું વળતર ચૂકવ્યા વગર મન પડે તેમ પોલીસને સાથે રાખી બળપ્રયોગ કરી આડેધડ હેવી વિજલાઈનો પસાર કરવાની સાથે મહાકાય વીજ પોલ બળજબરીથી ઉભા કરી રહી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં લાકડીયા વીજ લાઇન બાદ હાલમાં અદાણી કંપની દ્વારા માળીયા મિયાણા પંથકમાં હેવી વીજ લાઇન નાખવા માટે મનમાની શરૂ કરવામાં આવતા કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. જો કે, આમ છતાં કાયદાની ઐસી તૈસી કરી હાલમાં ગેજેટમાં માળીયા તાલુકામાં મોરબીના ગામો દર્શાવી બળજબરીથી વીજ લાઈનો ખેંચવામાં આવી રહી છે.બીજી તરફ અદાણી કંપનીની મનમાની સામે મોરબી તાલુકાના પીલુડી ગામના રામદેવસિંહ સબળસિંહ જાડેજા સહિતના ખેડૂતો હાઇકોર્ટમાં ધા નાખી કંપનીની મનમાની સામે ન્યાય માંગ્યો છે. જેમા આગામી તા.24મી ડિસેમ્બરે હાઇકોર્ટેમાં જવાબ સાથે હાજર રહેવા આદેશ કરાયો છે. જો કે, હાઇકોર્ટમાં વિવાદ ચાલુ હોવા છતાં કંપનીએ ખેડૂતો પર ટોર્ચર ચાલુ રાખતા સોમવારે પીલુડી ગામના ખેડૂત રામદેવસિંહ જાડેજા વીડિયો બનાવી પરિવાર સાથે લાપતા બન્યા છે.વીડિયોમાં શુ કહી રહ્યા છે ? રામદેવસિંહ જાડેજાઅદાણી કંપનીની દાદાગીરી સામે અંતિમ પગલું ભરવાનો વીડિયો જાહેર કરનાર રામદેવસિંહ કારમાં પોતાના પુત્ર સાથે કેમેરા સામે દર્શાય છે જેમાં તેઓ કહે છે કે અમે થાકી ગયા છી આ અદાણી કંપનીથી, અમને બચાવો... અમને બચાવો... હવે આ કંપનીની દાદાગીરી સામે અમે જીવી શકીએ તેમ નથી. હવે અમારે મોત જોઈએ છે. અત્યારે મારા પુત્રને સ્કૂલેથી તેડવા આવ્યો છું. હવે મારા બીજા પુત્રને લઈ પત્ની સાથે દવા પી લેવી છે. તેમ કહી રામદેવસિંહ કારમાં પડેલ દવાની એક બોટલ બતાવી અંતિમ પગલું ભરી લેવાનું જણાવી વીડિયો પરિચિત લોકોને મોકલ્યો છે. આ વીડિયો બનાવ્યા બાદ હાલમાં રામદેવસિંહ લાપતા બની જતા મોરબી પંથકમા ચકચાર જાગી છે.