કારખાનાના પટાંગણમાં પોતાની ક્રેટા કારમાં ઝેરી દવા પી લીધી : બેંક કર્મચારી અને જમીનના માલિક ત્રાસ આપતા હોવાનો પરિવારનો આક્ષેપહળવદ : હળવદમાં આજે એક કારખાનેદારે કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કારખાનેદારના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સરા રોડ ઉપર ઉમા સોસાયટીમાં રહેતા નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા ઉ.વ.44એ હળવદ-માળિયા હાઇવે પર કેદારીયા ગામે તેમના નવા બનતા કારખાનાના પટાંગણમાં સવારે 9:30 વાગ્યે પોતાની ક્રેટા કારની અંદર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ મામલે તેમના પાર્ટનરને જાણ થતાં તેમને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ કારખાનેદારના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કારખાનેદારના ભત્રીજાએ બેન્ક કર્મચારીઓ અને કારખાનાની જમીનના માલિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ પણ કર્યા છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.