મોરબી: મોરબીના ગ્રાહક હિતેષભાઈ પ્રેમજીભાઈ સતાપરાને મોટર અકસ્માત વીમા કેસમાં મોટી રાહત મળી છે. મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને HDFC એર્ગો જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને ગ્રાહકને વીમાની રકમ અને ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે.મળતી માહિતી મુજબ મોરબીના રવાપરમાં રહેતા હિતેષભાઈ સતાપરાની કાર તા. ૦૮-૦૪-૨૦૨૩ના રોજ અકસ્માતગ્રસ્ત થઈ હતી, જેમાં રૂ. ૬,૩૭,૪૭૧/- નું નુકસાન થયું હતું. વીમા કંપનીએ ગીયરબોક્સને થયેલું નુકસાન અકસ્માત સાથે સુસંગત ન હોવાનું કારણ આપી વીમા રકમ ચૂકવવાની ના પાડી હતી. આથી, હિતેષભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક કમિશનમાં કેસ દાખલ કર્યો હતો.ગ્રાહક અદાલતે વીમા કંપનીની દલીલને ફગાવીને નોંધ્યું હતું કે, કંપનીએ પ્રીમિયમ લીધું હોવાથી અકસ્માતમાં થયેલું નુકસાન ચૂકવવું પડે. કોર્ટે HDFC એર્ગો જનરલ ઈન્સ્યુરન્સ ને તા. ૦૨-૧૧-૨૦૨૩ થી રૂપિયા ૭,૨૦,૦૦૦ તેમજ ખર્ચ પેટે રૂપિયા ૫,૦૦૦ ખર્ચ પેટે થઈ આ રકમ પર ૬% લેખે વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. વધુમાં, જો નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં ન આવે, તો ૯% લેખે વ્યાજ સાથે ચુકવવાની ફરજ પડશે, તેમ પણ આદેશમાં જણાવાયું છે.