મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક નજીકની રિલાયન્સ નગર શેરીમાં છેલ્લા ઘણા દિવસોથી શ્વાન (કૂતરાં)નો ત્રાસ અતિશય વધી ગયો છે. આ વિસ્તારમાં કૂતરાઓએ અત્યાર સુધીમાં 10થી 12 જેટલા લોકોને કરડી લીધા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે ફરિયાદનું નિવારણ થયા વગર સોલ્વ થઈ ગયા હોવાના મેસેજ મળ્યા છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર સ્થિતિ એવી છે કે નાના બાળકો કે વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. કૂતરાંના ડરના કારણે શાકભાજી કે અન્ય ફેરિયાઓએ પણ આ શેરીઓમાં આવવાનું બંધ કરી દીધું છે. આ અંગે સ્થાનિક રહેવાસીઓએ મોરબી મહાનગરપાલિકામાં 8 તારીખે ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. જોકે, પાલિકાએ આ મામલે કોઈ નક્કર પગલાં લીધા વિના જ બે વખત ફરિયાદનો 'ઉકેલ' આવી ગયો હોવાના મેસેજ મોકલી આપ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું પાલિકા કોઈ પણ ગંભીર સમસ્યાનું સમાધાન 'રસ્તા રોકો' જેવી આંદોલનની ભાષા સિવાય સમજવા તૈયાર નથી? ત્યારે ઝડપથી આ શ્વાનના ત્રાસમાંથી મુક્તિ મળે અને મહાનગરપાલિકા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.