શિક્ષકો BLOની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું, તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતા ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે : શિક્ષકોની રોષભેર રજુઆતમોરબી : મોરબી જિલ્લામાં શિક્ષકોને BLOની કામગીરી સોંપવાથી શિક્ષણકાર્યને મોટા પ્રમાણમાં અસર પહોંચી રહી છે. જેના વિરોધના શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર તંત્રને આવેદન આપવામાં આવ્યું છે. આ સાથે BLO ફોર્મની ઓનલાઈન કામગીરી તો કોઈ કાળે કરશે જ નહીં તેવું સ્પષ્ટ જણાવાયુ છે.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આવેદનમાં જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ તા. 04/11/2025 થી 04/12/2025 દરમિયાન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા ડોર-ટુ-ડોર જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત તા. 07/02/2026 સુધી વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના છે. આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી, જે અત્યંત કઠિન, સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે. જે અંગે સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવે. વધુમાં, કોઈ કારણસર શિક્ષક BLO કામગીરીમાં વ્યક્તિગત સામાજિક કે અન્ય કારણસર હાજર ન રહી શકે તો મામલતદાર/કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ ખૂબ દુઃખદ અને અપમાનજનક છે. શિક્ષકો શિક્ષણકાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે છેમ તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. SIR ની કામગીરીમાં મતદારોને સમજાવીને કામ કરવાનું હોય છે. દરેક મતદાર પોતાનું ફોર્મ જાતે કરી શકે તેવું હોતું નથી. બીએલઓની કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે જે પ્રકારની ફરજો હતી તેના કરતા વિશેષ કામ તથા ઓનલાઈન કામ ઉમેરાયું છે. ચૂંટણી પંચે મુકેલા અંદાજ મુજબ ઘણી જગ્યાએ સમય મર્યાદા મુજબ સ્થાનિક સ્થિતિ અનુસાર કામ પૂર્ણ થતું ન હોય તેવા સંજોગોમાં શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવે છે જે અન્યાયકારી છે. લક્ષ્યાંક પૂર્ણ કરવામાં ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. ડંડા વાળા પોલીસની ભૂમિકામાં તંત્ર હોય તેવું સમગ્ર ગુજરાતના અઢી લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓને પ્રતિત થઈ રહ્યું છે. શિક્ષકો તથા કર્મચારીઓ માટે સૌહાદપૂર્ણ વાતાવરણમાં સપોર્ટ સિસ્ટમ બનાવી રાષ્ટ્રીય કામગીરી સમયસર પૂર્ણ કરવા ખોટા દબાણ ઊભા ન કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના શિક્ષકોની લાગણી છે. અંતમાં જણાવાયુ છે કે શિક્ષકો BLOની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું છે. તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતા ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે. જેથી ઓનલાઈન કામગીરી શિક્ષકો કોઈ કાળે નહિ કરે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માંગણીઓ 1. ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી:BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે વોરંટ જેવી કાર્યવાહી કરવી સદંતર બંધ કરવામાં આવે, કારણકે શિક્ષકો પણ ચૂંટણી પંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે. આવી પ્રથા ગુલામશાહી સમાન અનુભૂતિ આપે છે.2. BLO ફરજનો સમાન વહેંચણી આદેશ અમલમાં લાવવો:કેન્દ્રિય ચૂંટણી આયોગના આદેશ અનુસાર અન્ય 12 કેડરના કર્મચારીઓમાં સમાન રીતે BLO ફરજ ફાળવવાની જોગવાઈ તાત્કાલિક અમલમાં લાવવામાં આવે. હાલમાં 90% થી વધુ BLO શિક્ષકો છે, જે અયોગ્ય છે.3. શિક્ષકો માટે અલગ BLO કેડર રચના કરવી:આગામી સમયમાં BLO કામગીરી માટે શિક્ષણ કર્મચારીઓને બદલે અલગ કેડર રચી, શિક્ષકોને શૈક્ષણિક કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવામાં આવે.4. શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી:BLO કામગીરી બાબતે અધિકારીઓ દ્વારા ઉદ્ધત વર્તન કે ધમકાવણીના બનાવો ન બને તે માટે તાત્કાલિક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે.5. માનવતાપૂર્વકની પ્રક્રિયા:કોઈ શિક્ષક સામાજિક કે યોગ્ય કારણસર મીટિંગ કે કામગીરીમાં હાજર ન રહી શકે તો તેની સમજૂતી મેળવી સ્પષ્ટતા માટે તક આપવામાં આવે.6. આ ઉપરાંત SIR ઓનલાઈન એન્ટ્રીની વધારાની કામગીરી પણ આપવામાં આવી છે. જે માટે ડેટા, મોબાઈલ કે લેપટોપ જેવા સંસાધનો આપવા અંગે કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. માટે ઓનલાઇન ડેટા એન્ટ્રી ના ઓર્ડર કરવામાં ન આવે.7. શિક્ષણપ્રતયે સરકારની પ્રતિબદ્ધતા જાળવવી:ગુજરાતના શિક્ષણક્ષેત્રને મજબૂત બનાવવા શિક્ષકોને ડેટા ઓપરેટર સમાન કામમાં રોકવાની નીતિથી દૂર રહી શિક્ષણની ગુણવત્તા વધારવા શિક્ષકોની ઉર્જા ઉપયોગી બને તેવા નિર્ણયો લેવાં જરૂરી છે.