નવાગામ, ફતેપર અને રાસંગપર ગામના નદીકાંઠા વિસ્તારમાં દીપડાના આંટાફેરા : લોકોને ડરવાને બદલે તકેદારી રાખવા ફોરેસ્ટ વિભાગની અપીલમોરબી : માળિયા મિયાણાના નવાગામમાં દીપડો દેખાયા બાદ ગત રાત્રીના ફતેપર ગામમાં દીપડાએ બકરાનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ફોરેસ્ટ વિભાગે તેમની એક ટિમ આ ગામમાં તૈનાત કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે માળિયા મિયાણાના ફતેપરમાં ગત રાત્રીના દીપડાએ બકરાનું મારણ કર્યું છે. આ દીપડો નવાગામ, ફતેપર અને રાસંગપર સહિતના ગામના નદી કાંઠાના ગામોમાં ફરી રહ્યો છે. હાલ પાંજરૂ મુકવાની જરૂર જણાતી નથી. દીપડો પોતાની રીતે ચાલ્યો જશે એવું લાગી રહ્યું છે. વધુમાં તેઓએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે રાત્રિના સમયે બિનજરૂરી અવાવરુ જગ્યાએ કે ખેતરમાં જવાનું ટાળવું, જો ખેતરમાં રહેઠાણ હોય તો લાઈટ ચાલુ રાખવી જો લાઈટની સુવિધા ન હોય તો તાપણું ચાલુ રાખવુ, માંસાહારી ખોરાક ન ખાવો, માંસાહારી ખોરાક ખાવામાં આવે તો તેનો એઠવાડ રહેઠાણથી દૂર ખાડો કરી દાટી દેવો, ઘરની અંદર સૂવાનું રાખવુ, દિપડો જોવા માટે જવું નહીં, દીપડાની કનડગત કરવી નહીં.વધુમાં ગ્રામજનોને કોઈ મદદની જરૂર પડે તો ફોરેસ્ટ ઓફિસર એસ.બી. ભરવાડ મો.9099894436, વન રક્ષક જે.એ.પીપળીયા મો.9979916622 તથા વન રક્ષક વી.એ.રાઠોડ મો.9687464987નો સંપર્ક કરવા જણાવાયુ છે.