સ્પર્ધાઓ અને યુવા મહોત્સવમાં નવયુગના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા હતા. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત સેમિનારમાં વક્તા પ્રતિકભાઈ કાછડીયાએ વિદ્યાર્થીઓને સમયનું આયોજન, અસરકારક અભ્યાસ પદ્ધતિ, યાદશક્તિ વધારવાના ઉપાયો, પરીક્ષા તણાવનું સંચાલન, આત્મવિશ્વાસપૂર્વકની તૈયારી સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. જેને વિદ્યાર્થીઓએ અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આ સાથે ધોરણ 11 કોમર્સના વિધાર્થીઓ માટે HDFC બેંક, IDBI બેંક અને રાજકોટ નાગરિક કો-ઓપ. બેંક ખાતે પ્રાયોગિક મુલાકાત યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓને ખાતું ખોલવાની પ્રક્રિયા, પાસબુક, ચેક અને ડીડીડીની સમજૂતી, નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન, બેંકિંગ સુરક્ષા અને ફ્રોડ પ્રિવેન્શન સહિતના વિષયોનો રિયલ ટાઇમ અનુભવ કરાવાયો હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ–2025 અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરની નિબંધ લેખન સ્પર્ધામાં નવયુગની વિદ્યાર્થીનીઓએ ગૌરવપૂર્ણ સફળતા મેળવી હતી. જેમાં દેથરિયા સૃષ્ટિ – પ્રથમ સ્થાન (મોરબી જિલ્લો), પટેલ ક્રિના – ત્રીજું સ્થાન (મોરબી જિલ્લો), તેમજ યુવા મહોત્સવ–2025 (15 વર્ષથી ઉપર)માં નવયુગનો દબદબો જોવા મળ્યો હતો. આ યુવા મહોત્સવ–2025 કાર્યક્રમમાં નવયુગના વિદ્યાર્થીઓએ અનેક સ્પર્ધાઓમાં ઝળહળતી સિદ્ધિઓ મેળવીને મોરબી જિલ્લાનો ગર્વ વધાર્યો.જેમાં જિલ્લા સ્તરે સમૂહ ગાયનમાં પ્રથમ (મોરબી), લોકગીતમાં કંઝારિયા જેનિશભાઈ (મોરબી), ભજનમાં ગઢવી યુવરાજભાઈ(મોરબી), નિબંધ સ્પર્ધામાં સરડવા ધ્વનિબેન (મોરબી), સ્ટોરી રાઇટિંગમાં નિવૃત્તિબેન ફેફર પ્રથમ ક્રમે આવેલ છે. તેમજ એક પાત્ર અભિનયમાં કાલરિયા ડિમ્પલ, અને સર્જનાત્મક સ્પર્ધામાં કૈલા યશ્વી દ્વિતીય સ્થાને આવેલ છે. વિદ્યાર્થીઓની આ સફળતા નવયુગ પરિવાર માટે ગૌરવ ની ક્ષણ છે.