રામકો વિલેજ સોસાયટીના રહીશો પાયાની સવલતો આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા : ટીડીઓ અને મામલતદારે ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સવલતો આપવાની માંગ સાથે મોરબી- હળવદ હાઇવે ચક્કાજામ કરી દીધો હતો. બે કલાક બાદ અંતે ટીડીઓ અને મામલતદારે કામો શરૂ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડયો છે. હાલ ચક્કાજામ હટાવવામાં આવતા પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવાના કામે લાગી છે. રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009થી અસ્તિત્વમાં આવી છે. ત્યારથી લઈ આજ સુધી અહી એક સ્ટ્રીટ લાઈટ પણ નાખવામાં આવી નથી. અહીં રોડ રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા નથી. આ મુદ્દે 8 દિવસ પહેલા જ તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જેથી ચક્કાજામ કરવામાં આવ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ચક્કાજામને 2 કલાક જેટલો સમય થતા રોડની બન્ને બાજુ વાહનોની કતારો જામી હતી. તાલુકા પીઆઇ ચરેલ, મામલતદાર ત્રાંબડીયા અને ટીડીઓ વણપરીયાએ સ્થાનિકોને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ સ્થાનિકો પોતાની માંગ ઉપર અડગ રહ્યા હતા. અંતે ગ્રાન્ટ ફાળવી વહેલાસર કામો શરૂ કરાવવાની અધિકારીઓ તરફથી ખાતરી આપવામાં આવતા સ્થાનિકોએ આ ચક્કાજામ હટાવી દીધો છે. આ મામલે તાલુકા મામલતદાર ત્રાંબડીયાએ જણાવ્યું કે સ્થાનિકોના રોડ,ગટર સહિતના પ્રશ્નો છે તેની ગ્રાન્ટ મંજુર થાય અને ઝડપથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ થાય તેવુ કરીશું તેવી ખાતરી આપી છે. આ ઉપરાંત ત્યાં સોસાયટીની વિઝિટ લઈ પ્રાથમિક કામો છે તે વહેલા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા ચક્કાજામ વેળાએ અટકાયતી પગલાં લેવાની વાત કરવામાં આવતા થોડી વાર માટે ઘર્ષણ સર્જાયું હતું. હાલ ચક્કાજામ હટી જતા પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.