વિશાલનગર ગામના ખેડૂતની માળિયા (મી.) તાલુકા વિકાસ અધિકારીને રજુઆતમોરબી : કમોસમી વરસાદથી થયેલ નુકસાનીની સહાય માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં એક ખેડૂત એક જ ખાતાની જમીન માટે અરજી કરી શકે છે. પરંતુ કોઈ ખેડૂતની બે કે ત્રણ ખાતાની જમીન 2 હેકટર જેટલી થતી હોય તેઓ બધા ખાતાની અરજી કરી ન શકતા હોવાથી તેઓને અન્યાય થતો હોવાની રાવ ઉઠી છે.માળીયા (મી.) તાલુકાના વિશાલનગર ગામના ખેડૂત વિડજા ભાવેશ અશોક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલની ઓનલાઈન અરજી પ્રક્રિયામાં ખેડૂત માત્ર એક જ ખાતાની જમીન માટે અરજી કરી શકે છે, જેના કારણે બે હેક્ટર સુધીની પાક નુકસાનીની સહાયથી તે વંચિત રહી જાય છે. ખેડૂતની અલગ-અલગ ખાતાની જમીન ટોટલ બે હેક્ટર થતી હોય, તો તે સમગ્ર બે હેક્ટર જમીન માટે ઓનલાઈન અરજી થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. આ વ્યવસ્થા કરવાથી ખેડૂત બે હેક્ટર સુધીની જમીન માટેની પૂરી સહાય મેળવી શકે અને નુકસાન સામે રાહત મેળવવામાંથી વંચિત ન રહે. ખેડૂતે ટીડીઓ મારફતે સરકારમાં આ બાબતની જાણ કરીને ઓનલાઈન અરજી પ્રક્રિયામાં યોગ્ય સુધારા કરવા માટે ધ્યાન દોર્યું છે.