મોરબીની સ્લેબ ટાઇલ્સ જે બિનજરૂરી સ્ટાન્ડર્ડ પાસ ન કરી શકે તે લાગુ કરવા ચીને પ્રયાસ કર્યો, મોરબી સિરામિક એસો.પ્રમુખ હરેશ બોપલીયા સહિતના ડેલીગેશને આ સ્ટાન્ડર્ડનો સખત વિરોધ નોંધાવી તેને લાગુ ન થવા દીધોમોરબી : ઇન્ડોનેશિયામાં ISO-TC/189 ઓર્ગેનાઇઝેશનની વર્કિંગ કમિટીની બે દિવસની બેઠક આજે સંપન્ન થઈ છે. જેમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઇ બોપલીયા સહિત 5 પ્રતિનિધિઓએ ભારત તરફથી હાજરી આપી હતી. તેઓએ આ બેઠકમાં નવું બિનજરૂરી સ્ટાન્ડર્ડ લાવી મોરબીની સ્લેબ ટાઇલ્સને ઈન્ટરનેશનલ માર્કેટમાં ખતમ કરી દેવાના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તા.૧૩ અને ૧૪ નવેમ્બર ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા સિટીમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાઇ હતી. આ ઓર્ગેનાઇઝેશન ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ સંગઠન છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી 29 દેશ સભ્ય છે. તેમાંથી 26 દેશના ડેલિગેશન હાજર રહ્યા હતા. આ મિટિંગમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે પાંચ મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડો. અશોક ખુરાના (ચેરમેન, બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ - દિલ્હી), આર.ડી.માથુર (BIS કમિટી મેમ્બર) પોલસન કે. (BIS કમિટી મેમ્બર) હરેશભાઇ બોપલીયા (મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ) અને જેરામભાઇ કાવર (BIS કમિટી મેમ્બર)એ હાજરી આપી હતી. ગત વર્ષે ચાઇના ડેલિગેશન સ્લેબ ટાઇલ્સમાં ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા ઇચ્છતું હતું. સાથે તેઓએ આ ટેસ્ટ મેથડ પણ રજુ કરી હતી. ભારતીય ડેલિગેશન તરફથી આ ટેસ્ટનો જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીનું ડેલિગેશન પણ આગળ આવ્યું હતું. જેને પગલે કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.(અમેરિકા) એ ભારતની તરફેણમાં નિર્ણય જાહેર કરી આ ટેસ્ટ રિજેક્ટ કર્યો હતો. આ બેઠકમાં પણ ચાઇના દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે બીજું સ્ટાન્ડર્ડ ફ્લક્ચર સ્ટ્રેન્થ ઓફ ગ્લેઝ લાવવા માટે મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ભારતના ડેલિગેશન સાથે અન્ય દેશોએ વિરોધ નોંધાવતા ચાઇનાની કુટનિતીનો ફિયાસ્કો થયો હતો અને તેનુ છેતરામણી ભર્યુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયુ હતુ. આમ આ વર્ષે પણ ચાઇનાને લપડાક લાગી હતી. આ ટેસ્ટ આવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી નુકસાની થાય તેમ હતું. કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે ભારતમાં આ સ્ટાન્ડર્ડ માટેનુ રો- મટીરિયલ્સ ઉપલબ્ધ નથી. જો આ ટેસ્ટ આંતરરાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો આ મુજબની ગુણવતાવાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે રો-મટીરીયલ્સ માટે બીજા દેશો ઉપર આધારીત રહેવુ પડે. આ સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરવા માટે રો-મટિરિયલ્સ ઇમ્પોર્ટ કરવુ પડે અને પડતર કિંમત ઉંચી આવતા વૈશ્વિક માર્કેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગ ટકી શકે નહી. આ બાબત ચાઇના સારી રીતે જાણતુ હોય પોતાની અનુકૂળતા મુજબ ISO સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટ માંથી ખતમ કરવા ઇચ્છતું હતું. પરંતુ આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરૂરી ટેસ્ટ- મેથડનો વિરોધ કર્યો હતો. આ રીતના સ્ટાન્ડર્ડ ભવિષ્યમાં અમલના થાય તેના માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ- દિલ્હી હર હમંશા સતર્ક રહે છે અને મોરબી સિરામિક ઉદ્યોગોને જરૂરી માર્ગદર્શન આપે છે. દર વર્ષ યોજાતી ISOની મીટીંગમાં ભારત સરકાર - BIS - દિલ્હી જરૂરી માહીતી મોરબી સિરામિક ઉદ્યોગને આપી ચાઇનાથી સચેત રહેવા જરુરી માર્ગદર્શન પુરુ પાડે છે. ઉપરાંત મોરબી સિરામિક એસોસિએશન સાથે સમયાંતરે મીટીંગ યોજી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બળ પુરૂ પાડે છે. તેમ સિરામિક એસો.પ્રમુખે જણાવાયું હતું.