રામકો વિલેજ સોસાયટીના રહીશો પાયાની સવલતો આપવાની માંગ સાથે રસ્તા ઉપર ઉતર્યા : હાઈવેની બન્ને બાજુ વાહનોના થપ્પા લાગ્યામોરબી : મોરબીમાં હજુ પણ જનઆંદોલનોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સવલતો આપવાની માંગ સાથે મોરબી- હળવદ હાઇવે ચક્કાજામ કરી દીધો છે. જ્યાં સુધી લેખિત બાહેંધરી નહિ મળે ત્યાં સુધી રોડ ઉપરથી નહિ હટવાનું સ્થાનિકોએ એલાન આપ્યું છે. આ મામલે સ્થાનિકોએ જણાવ્યું કે ઘુંટુ ગામે રામકો વિલેજ સોસાયટી વર્ષ 2009થી અસ્તિત્વમાં આવી છે. ત્યારથી લઈ આજ સુધી અહી એક સ્ટ્રીટ લાઈટ પણ નાખવામાં આવી નથી. અહીં રોડ રસ્તા, ગટર, પાણી અને સ્વચ્છતા જેવી પાયાની સુવિધા નથી. આ મુદ્દે 8 દિવસ પહેલા જ તંત્રને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વર્ષોથી લેખિત અને મૌખિક રજુઆત કરવા છતા કોઈને સુવિધા આપવામાં રસ નથી. સ્થાનિકોએ છેલ્લા 3 મહિનાથી વેરા ભરવાનું પણ શરૂ કર્યું છે. ગ્રામ પંચાયતે તો એમ કીધું કે બાપ થઈને કામ દેવા નથી. ટીડીઓએ પણ ગ્રાન્ટ ન હોવાનું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે. હવે અમે આશ્વાસનથી માનવાના નથી. જ્યાં સુધી અધિકારીઓ આવીને બધા કામ શરૂ કરવાની લેખિત બાહેંધરી નહિ આપે ત્યાં સુધી અમે રોડ ઉપરથી હટવાના નથી. ઉલ્લેખનીય છે કે આ ચક્કજામને પગલે તાલુકા પોલીસની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. બીજી તરફ મોરબી- હળવદ વચ્ચેનો આ મુખ્ય હાઇવે હોય ચક્કાજામને અડધો કલાકમાં જ અહીં બન્ને બાજુ વાહનોની લાંબી કતારો જામી ગઈ છે.