માત્ર 20 વર્ષનો મહારાષ્ટ્રનો યુવાન છેલ્લા 512 દિવસથી કરી રહ્યો છે સાયકલ યાત્રા, કુલ 1 લાખ કિમીની યાત્રા કરવાનું લક્ષ્યમોરબી : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના 20 વર્ષીય યુવાન, માઉન્ટેનિયર સુબોધ, છેલ્લા 512 દિવસથી ભારતમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય લોકોને સંદેશ આપવાનો, બદલાવ લાવવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો છે. ત્યારે હાલ તેઓ ગુજરાતની મુલાકાતે છે અને મોરબી પહોંચ્યા હતા. ત્યારે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં માઉન્ટેનિયર સુબોધે જણાવ્યું હતું કે આ યાત્રા 'શક્તિ સંકલ્પ સફર' પ્રોજેક્ટ અંતર્ગત કરી રહ્યા છે. ભારતભરમાં 1 લાખ કિલોમીટર સાયકલિંગ પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે. તેમજ 1 લાખ કિલોમીટર સાયકલિંગ દરમિયાન 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવા અંગે જણાવ્યું હતું. સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણ સંરક્ષણ, તંદુરસ્ત જીવનશૈલી (હેલ્ધી લાઇફસ્ટાઇલ) અને નશા મુક્તિ પર દેશભરમાં યુવાનો સાથે જાગૃતિ સત્રો યોજવા અંગે જણાવ્યું હતું. 2027માં ક્લાઇમેટ ચેન્જનો સંદેશ વિશ્વની સૌથી ઊંચી પહાડી માઉન્ટ એવરેસ્ટ પર પહોંચાડવાનો ઉદેશ્ય જણાવ્યો હતો.આ સાયકલિંગ અભિયાન 19 જૂન 2024 ના રોજ વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ પાસ પરથી શરૂ થયું હતું. ભારતભરમાં સફરમાં 512 દિવસમાં તેમણે ભારતના 10 રાજ્યો પૂર્ણ કર્યા છે. ત્યારે હાલમાં તેઓ મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પ્રવેશ્યા છે. આ ઉપરાંત તેઓ લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશની સફર કરી ચૂક્યા છે. ખાસ કરીને ભારતના 9 રાજ્યોમાં અત્યાર સુધીમાં 30,000 છોડ રોપવામાં આવ્યા છે. તેમજ ગુજરાતમાં 5,000 છોડ રોપવાનું લક્ષ્ય છે, જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 700 છોડ રોપાઈ ચૂક્યા છે. વૃક્ષારોપણમાં તેમને BSF, ઇન્ડિયન આર્મી, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક સંસ્થાઓનો સારો સહયોગ મળવા અંગે જણાવ્યું હતું. મોરબીમાં તેમનો આજે બીજો દિવસ છે. ત્યારે બે દિવસમાં તેમણે મોરબીની વિવિધ શાળાઓ અને NGO સાથે મળીને વૃક્ષારોપણ કર્યું અને યુવાનોને સંદેશ આપ્યો. તેઓ આજે મોરબીથી રાજકોટ માટે રવાના થઈ રહ્યા છે.સુબોધે યુવાનોને સંદેશ આપ્યો છે કે પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. તેમણે કહ્યું કે જો આપણે આજે યોગ્ય પગલાં નહીં ભરીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે. તેઓ માને છે કે એકલા નહીં પણ સૌ સાથે મળીને બદલાવ લાવી શકીશું. તેઓ હનુમાનજીને આરાધ્ય દેવત માનીને સાથે લઈને ચાલી રહ્યાં છે.