દિવાળી બાદ શાકભાજી સસ્તા થવાને બદલે મોંઘા થતા ગૃહિણીઓમાં દેકારોમોરબી : સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં દિવાળી બાદ તમામ શાકભાજીની પુષ્કળ આવક થતી હોય છે અને વિવિધ લીલા તાજા શાકભાજીથી ઉભરાતી બજારમાં શાકભાજી સસ્તા થતા હોય છે. જો કે, દિવાળી સમયે વરસેલા કમોસમી વરસાદથી શાકભાજીના પાકને નુકશાન પહોંચ્યું હોવાથી હાલમાં મોરબીની બજારમાં શાકભાજીના ભાવ બમણા થઇ ગયા છે. સાથે જ બમણા ભાવ ચૂકવવા છતાં લોકોને સારી ગુણવત્તાવાળા શાકભાજી મળતા ન હોય ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.ઓક્ટોબર માસના અંતભાગમાં મોરબી સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસતા હાલમાં શાકભાજીની સપ્લાયને અસર પડી છે. ખાસ કરીને શાકભાજીના પાકને વરસાદ નડી જતા હાલમાં બજારમાં શાકભાજી સારા આવતા નથી અને આવે છે તે શાકભાજી જોવા પણ ગમે તેમ ન હોવાનું વેપારીઓ અને ગ્રાહકો જણાવી રહ્યા છે. ખાસ કરીને દિવાળી બાદ શિયાળાની શરૂઆત સાથે જ અવનવા શાકભાજીથી માર્કેટ છલકાતું હોય છે પરંતુ માવઠાને કારણે બજારમાં હાલમાં શાકભાજીની અછત જેવી સ્થિતિમાં ભાવ બમણા કરતા પણ વધુ થઇ ગયા છે.મોરબીના ગૃહિણી ભાવનાબેન જોશી કહે છે કે, દિવાળી બાદ વાલોર, મેથી સહિતના શાકભાજીની સારી આવક થતી હોય ઊંધિયું સહિતના શાક ખાવાની મજા પડી જતી હોય છે. જો કે, હાલમાં બજારમાં આવતા શાકભાજી સારી ગુણવતાના ન હોવાની સાથે ભાવ પણ વધી ગયા હોવાથી હાલમાં અઠવાડિયામાં એક દિવસને બદલે બે કે ત્રણ વખત કઠોળનું શાક બનાવવાનું વધુ પસંદ કરી એ છીએ. શાકભાજીના વેપારી રવજીભાઈ કણજારીયા જણાવે છે કે, હાલ તમામ પ્રકારના શાકભાજી આવે ચા પણ માવઠાને કારણે શાકભાજીનો પાક બગડ્યો છે.હાલમાં શાક્ભાજીની આવક ઘટી હોવાની સાથે રાજ્ય બહારના શાકભાજી આવી રહ્યા છે. હજુ પણ આગામી એકાદ મહિનો આવી જ સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી એક મહિના બાદ ભાવમાં રાહત થાય તેમ હોવાનું જણાવ્યું હતું.