લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે રિવરફ્રન્ટ ખાતે હજારોની સંખ્યામાં કર્મચારીઓનું વિરોધ પ્રદર્શનમોરબી : પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે આજે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વિશાળ 'શ્રમિક આક્રોશ રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરો બહોળી સંખ્યામાં 'ભારત માતા કી જય' ના નારા સાથે ઉમટી પડ્યા હતા અને સરકાર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. જેમાં મોરબીથી પણ 300 કર્મચારીઓ સામેલ થયા હતા.બીજી તરફ, પગાર વધારા મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન ન થતાં આંગણવાડી બહેનોએ પણ આંદોલન ઉગ્ર બનાવ્યું છે અને આગામી ૧લી ડિસેમ્બરથી 1000 બહેનોની ભૂખ હડતાળનું એલાન કર્યું છે. વિવિધ યુનિયનો પોતપોતાના કર્મચારીઓ સાથે નાની-નાની રેલી સ્વરૂપે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. જ્યાં આ તમામ રેલીઓ એક મહાસંમેલનમાં ફેરવાઈ હતી. દરેક સંગઠને પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભારતીય મજદૂર સંઘે જણાવ્યું કે, આશા વર્કરો, એસટી કર્મચારીઓ, બાંધકામ શ્રમિકો અને અન્ય ક્ષેત્રોના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આ 'આક્રોશ રેલી' યોજવામાં આવી છે. આ રેલીમાં રાજ્યભરમાંથી હજારો કર્મચારીઓ અને શ્રમિકો ઉમટી પડ્યા હતા.ઉલ્લેખનીય છે કે મોરબીથી આશાવર્કર રેખાબેન પટેલ, પીએમ પોષણ યોજનાના પ્રણવભાઈ નલીનભાઇ ઠાકર, એસટી વિભાગના દેવેન્દ્રસિંહ ઝાલા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના એસ.પી. જાડેજા, આંગણવાડીના મોહિનીબેન એસ. શુક્લ ગુજરાત ઔદ્યોગિક સલામતી દળના કનકસિંહ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મુકેશભાઈ આર. દવે, મનોજભાઈ એચ. અનંત અને મોરબી મહાનગરપાલિકાના જયરાજસિંહ આ આક્રોશ રેલીમાં સામેલ થયા હતા.