આ રોડનું ટેન્ડર લાઈવ, વહીવટી પ્રક્રિયા બાદ 1 જાન્યુઆરીથી રોડનું કામ શરૂ થાય તેવા પ્રયત્નો : મ્યુનિસિપલ કમિશનરમોરબી : મોરબીના 2 કિમિ લાંબા ભડિયાદ રોડ ઉપર આજે મહાપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી સાંજ સુધી ચાલવાની છે. બીજી તરફ આ રોડને પહોળો કરી આગામી 1 જાન્યુઆરીથી રોડનું કામ શરૂ થાય તેવા પ્રયત્નો ચાલુ હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત આજે ભડિયાદ રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર પ્રથમવાર ડીમોલેશન થઈ રહ્યું છે. ગત બુધવારે રજા હોવાથી મહાપાલિકાની ઝુંબેશ બંધ રહી હતી. તે પહેલાના બુધવારે રાજપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજની ઝુંબેશમાં ભડિયાદ રોડ ઉપર બેથી ત્રણ દિવસ પહેલા દબાણકારોને જાણ કરવામાં આવી હતી. જેને પગલે મોટાભાગના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવાની મહાપાલિકા દ્વારા કાર્યવાહી ચાલુ છે. ભડિયાદ રોડ 2.2 કિમીનો રોડ છે. આજે અહીં સાંજ સુધી કાર્યવાહી ચાલશે. આ રોડનું ટેન્ડર લાઈવ છે. 26 નવેમ્બરે ખુલવાનું છે. અહીં 7.5 મીટરનો રોડ થશે. ડ્રેનેજની સુવિધા મળે તેના માટે પ્રયત્નો છે. ટેન્ડર ખુલ્યા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી1 જાન્યુઆરી 2026 આસપાસ કામ શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે રસ્તા રોકો આંદોલન અંગે જણાવ્યું કે ઘણા રોડ, ડ્રેનેજના કામો મંજુર થયા છે. ઘણા ચાલી રહ્યા છે. બધા લોકોને અનુરોધ કરું છું કે આવા કોઈ પગલાં લેવામાં ન લ્યે. લોકો અમારી ઓફિસમાં આવી અધિકારીઓને તથા મને મળી શકે છે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે લોકોને ઓફિસ સુધી ધક્કો ન થાય એટલે ઓનલાઈન ફરિયાદની સુવિધા પણ શરૂ છે. દરરોજ 100થી વધુ ઓનલાઈન ફરિયાદ આવે છે. તેનો નિકાલ પણ થાય છે. 3 દિવસમાં નિકાલ થાય તેવા પ્રયત્નો કરાઈ છે. વધુ પ્રમાણમાં લોકો આનો ઉપયોગ કરે. તેવી અપીલ છે. ઉપરાંત ઇસ્ટ અને વેસ્ટ બન્ને ઝોનમાં 100-100 સફાઈ કામદારો લીધા છે. નવા વિસ્તારોમાં સફાઈ કર્મીઓને કામગીરી સોંપી છે. ઓપન ડ્રેનેજ માટે પણ કામદારોને ફરજ સોંપી છે. લોકોને અનુરોધ છે કે મહાપાલિકા સારી સુવિધા આપવાના પ્રયત્નો કરી રહી છે. લોકો પણ સહકાર આપે.