કચરા ટોપલી તૂટેલી હાલતમાં, રોડની જીવલેણ કડ અકસ્માતના ઇન્તઝારમાં : બગીચાને બદલે ઉકરડા, હરણ પડી ગયુ, આઈ લવ મોરબીના બન્ને આઈ ગાયબમોરબી : મોરબી નગરપાલિકા સમયે વાવડી રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા તરીકે નક્કી કરાયા બાદ મહાનગર પાલિકા દ્વારા મોરબી શહેરને પ્રથમ આઇકોનિક રોડની કરોડોં રૂપિયાના ખર્ચે ભેટ આપ્યાના ટૂંકા ગાળામાં જ વાવડી રોડ હતો ન હતો થઇ ગયો છે. હાલમાં વાવડી રોડ ઉપર ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયેલા છે, સેન્ટ્રલ લાઇટિંગના ઠેકાણા નથી સાથે જ રોડ પર લગાવવામાં આવેલ મોટાભાગના ડસ્ટબીન તૂટેલી હાલતમાં રોડને પ્રણામ કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આ આઇકોનિક રોડ ઉપર વિકસાવેલ બે બગીચા પણ તહસ નહસ થઇ ગયા હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેરમાં પ્રજા અને તંત્રના સંયુક્ત દોષને કારણે નવી સુવિધાઓ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે, અગાઉ મોરબીના મયુર બ્રિજ પર લાખોના ખર્ચે બનેલા સેલ્ફી પોઇન્ટને નઠારા તત્વોએ તોડી નાખ્યા બાદ હવે મોરબીમાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલ આઇકોનિક વાવડી રોડની મહિનાઓના સમયગાળામાં જ દુર્દશા બેઠી હોવાનું સામે આવ્યું છે. મહાનગર પાલિકાએ અહીં સેન્ટ્રલ લાઇટિંગ અને ડિવાઈડર વાળો સુંદર રસ્તો બનાવ્યા બાદ રખરખાવના અભાવે આ રોડ ઉપર ઠેર-ઠેર ઉકરડા પથરાયા છે. સાથે જ બગીચાની હાલત પણ બગડી ગઈ છે. આ ઉપરાંત આઇકોનિક રોડ પર મુકવવામાં આવેલ મોટાભાગની ડસ્ટબીન તૂટી ગઈ છે અથવા તો સળગાવી દેવામાં આવી છે.આમ શહેરનો આઇકોનિક રોડ હાલમાં ભંગાર હાલતમાં ફેરવાઈ ગયો હોવાનું સ્પષ્ટ બન્યું છે.હરણ પડી ગયું, આઈ લવ મોરબીના બન્ને આઈ ગાયબમોરબી મહાનગર પાલિકાએ આઇકોનિક વાવડી રોડ ઉપર બે પોકેટ ગાર્ડન બનાવી અહીં આર્ટિફિશિયલ હરણ અને મોર મુકવામાં આવ્યા છે. જો કે,એ નબળી ગુણવતાના આ હરણના મોઢા ફાટી ગયા છે. એક હરણ પડી ગયું છે. સાથે જ પોકેટ ગાર્ડનમાં બનાવાયેલ સેલ્ફી પોઇન્ટમાંથી આઈ લવ મોરબીના સિમ્બોલમાં બન્ને આઈ કોઈ તોડી કે, ચોરી કરી ગયાનું સામે આવ્યું છે.કોર્પોરેશને હલકી મોરલા લાઈટ ધાબડી દેવાઈઆઇકોનિક વાવડી રોડની સુંદરતા વધારવા માટે મહાનગર પાલિકા દ્વારા અહીં સેન્ટ્રલ લાઇટિંગમાં 60 નંગ મોરલા વાળી લાઈટ ફિટ કરવામાં આવી છે. જો કે, મોરલા વાળી લાઇટ દિવાળી સમયે પણ ચાલુ થઇ ન હતી. મહાનગર પાલિકાના રોશની વિભાગે જણાવ્યું હતું કે, મોર વાળી લાઈટ હલકી ગુણવતાની હોવાથી સપ્લાયરને નોટિસ ફટકારવામાં આવી છે. સાથે જ ટૂંક સમયમાં બંધ થયેલ મોરલા વાળી લાઈટો ફરી શરૂ કરવામાં આવશે તેમ રોશની વિભાગે જણાવ્યું હતું.