વાંકાનેર : GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી માર્ગદર્શિત વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે વર્ષ 2025-26ના 'વિકસિત ગુજરાત 2047' અંતર્ગત ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત, ગાયન અને વાદન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પણ બાળકોએ રસપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમ રજૂ કર્યો હતો.સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, તાલુકા શાળાના આચાર્ય સોલકી વિનોદભાઈ, અને અન્ય આમંત્રિત આચાર્યો તથા શિક્ષકો દ્વારા રોકડ ઈનામ, બોલપેન અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે મક્તાનપર પ્રાથમિક શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ બાવરવા દ્વારા દાન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્ય જિગ્નેશભાઈ આદ્રોજા અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું.