ખો-ખો અને યોગ જેવી વિભાગોમાં પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવીને તાલુકાનું નામ રોશન કર્યું ટંકારા : ગુજરાત સરકારના ખેલ મહાકુંભ અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવ્યો છે. આ સ્પર્ધાઓમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ ખો-ખો અને યોગ જેવી વિભાગોમાં પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવીને તાલુકાનું નામ રોશન કર્યું છે.ખો-ખો સ્પર્ધામાં ઓરપેટ કન્યા વિદ્યાલયની ટીમે ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તેમજ ઓરપેટ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓની ટીમે ખો-ખોમાં દ્વિતીય ક્રમાંક મેળવીને વિજેતા બની છે. આ બંને ટીમો હવે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પાત્ર ઠરી છે. યોગ સ્પર્ધામાં અહરવા મીનલે ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવીને વ્યક્તિગત ચેમ્પિયનશિપ જીતી છે. આ તમામ વિદ્યાર્થીનીઓના પ્રદર્શનથી શાળા પરિવારમાં આનંદનું વાતાવરણ છવાયું છે. શાળા પરિવારે આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થિનીઓ તથા તેમના માર્ગદર્શક બળદેવભાઈ કાનાણી અને નાઝમીનબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ વિજયથી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ જિલ્લા કક્ષાએ પણ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.