લખધીરપુર રોડ ઉપર ટ્રેલરની ટાંકીમાંથી 140 લીટર ડીઝલ ચોરી લીધું હતું : અન્ય ક્યાં ક્યાં ચોરી કરી તે દિશામાં તપાસ શરૂમોરબી : મોરબી પંથકમાં મોટા વાહનોમાંથી ડીઝલ ચોરીના છાસવારે બનતા બનાવો વચ્ચે એલસીબીની ટીમે ડીઝલ ચોરી કરતી એક ટોળકીની કરતૂતનો પર્દાફાશ કરી બે શખ્સોને પકડી લીધા છે. આ ઉપરાંત અન્ય બે શખ્સોનું નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.25 ઓક્ટોબરના રોજ મોરબીના લખધીરપુર રોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે ટ્રક ટ્રેલર નંબર- RJ 14 GO-4374 પાર્ક કરી ડ્રાઇવર કેબીનમાં સુતેલ હતા. ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ ડીઝલની ટાંકીના ઢાંકણાનો લોક તોડી ટાંકીમાંથી આશરે 140 લીટર જેટલુ ડીઝલ ચોરી કરી લીધું હતું. જે મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળેલ કે ડીઝલ ચોરીનો ગુનો આચરનાર સ્વીફ્ટ ગાડી નંબર-GJ-03-HR-0581નો ચાલક તથા તેની સાથે એક બીજો શખ્સ જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન પાસે કાર સાથે ઉભેલ છે. જેને આધારે એલસીબી ટીમે હરેશભાઇ વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ બાલસાણીયા ઉ.વ.૨૧ રહે. ગામ હળવદ ભવાનીનગર ઢોરો અને જીજ્ઞેશભાઇ ઉર્ફે જુગો ભરતભાઇ ખેર ઉ.વ.૨૬ રહે. ગામ મેરૂપર દલવાડીવાસ તા.હળવદવાળાને પકડી કાર, ખાલી કેરબા, પ્લાસ્ટીકની પાઇપો સહિતના રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. બન્નેની પ્રાથમિક પૂછપરછમાં વિપુલ રેવર રહે સોલડી તા.ધ્રાંગધ્રા અને અમીતભાઇ ઠાકોર રહે. કવાડીયા તા.હળવદવાળાનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ તમામ શખ્સો છેલ્લા ઘણા સમયથી મોરબી તાલુકાના જેતપર રોડ તથા અલગ અલગ વિસ્તારમાં મોડી રાત્રીના સમયે ટ્રકોની ડીઝલ ટાંકીઓના ઢાંકણા પાના વડે તોડી ડીઝલ કાઢી ગુનાને અંજામ આપતા હતા.વધુમાં પોલીસે મોરબીના તમામ ટ્રાન્સપોર્ટરો તથા વાહનો ચાલકો જોગ જણાવ્યું છે કે રાત્રીના સમય દરમિયાન પોતાના વાહનો સલામત જગ્યાએ સિસિટીવી કેમેરા તથા સીકયુરીટી હેઠળ રાખવા અને જો કોઇ અજાણ્યા લોકો રાત્રીના સમયે વાહનની આજુબાજુમાં જોવામાં આવે તો સાવચેતી રાખવી. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, PSI બી.ડી.ભટ્ટ, જે.પી. કણસાગરા તથા એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ રોકાયેલ હતી.