હળવદ: હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે સવારે આશરે 10 વાગ્યાની આસપાસ કપાસના ઢગલામાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. મહારાણા પ્રતાપ સેડમાં અગમ્ય કારણોસર સાતથી આઠ જેટલા કપાસના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે તૈયાર કપાસનો પાક નષ્ટ થઈ ગયો છે.મળતી માહિતી મુજબ, આગને કારણે લગભગ 350 થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી ખેડૂતો પર આફત આવી પડી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગ લાગવાના કારણે કપાસનું તોલકામ થઈ શક્યું નહોતું. જોકે, માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, આ મોટા નુકસાનની ભરપાઈ કોણ કરશે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે, અને આ અંગે યાર્ડ સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.