બ્લાસ્ટમાં 8 લોકોમાં મોતની આશંકા, 24 ઘાયલ : દેશના અનેક મોટા શહેરોમાં સુરક્ષા વધારી દેવાય મોરબી : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે એક કારમાં ભયાનક વિસ્ફોટ થતાં ભાગદોડ થઈ ગઈ છે. ભયંકર વિસ્ફોટ થતાં કારમાં ભીષણ આગ લાગી હતી. દિલ્હીમાં બ્લાસ્ટને લઈને આઠ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં હાઇઍલર્ટ જાહેર કરી દેવાયું છે, ત્યારે બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત, મુંબઈ અને યુપીમાં પણ ઍલર્ટ જાહેર કરાયું છે. જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આજે સાંજે 6.55 વાગ્યે ફોર્ટ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગમાં પાર્ક કરેલી ઇકો કારમાં વિસ્ફોટ થયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે નજીકમાં પાર્ક કરેલી 3 વધુ કાર સળગી ગઈ હતી. ઘટના બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. ફોરેન્સિક ટીમ પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. NIA અને NSGને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના મોટા શહેરોમાં પોલીસ ઍલર્ટ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધરાશે. ભીડભાડવાળી જગ્યાએ પોલીસ તપાસ હાથ ધરશે. આ ઉપરાંત મુંબઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને જાહેર જગ્યાએ પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.