પંચવર્ષીય દાતાઓનું સન્માન કરવામાં આવ્યુંઆમરણના ડાયમંડનગર ખાતે ગૌશાળા યુવક મંડળના ઉપક્રમે ગૌશાળાના લાભાર્થે સોનબાઈની ચુંદડી નામનું ઐતિહાસિક નાટક અને નાથા બાપાનો ઘર સંસાર કોમિકનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે ગૌશાળાના પંચવર્ષીય દાતાઓનું જાહેર સન્માન અને ડાયમંડનગર ગામ સમસ્ત ધુમાડા બંધ સમૂહ મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો. ગામ-બહારગામના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી રાત્રિભર કાર્યક્રમને આનંદભેર માણ્યો હતો. આ પ્રસંગે વતનપ્રેમી મોરબી સ્થિત સિરામિક ઉદ્યોગપતિઓ બાબુભાઈ ગડારા, ધનજીભાઈ સવસાણી, જયંતીભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ ભાલોડિયા વગેરે સમાજ શ્રેષ્ઠીઓએ ખાસ હાજરી આપી હતી.ડાયમંડનગર ગામના યુવકો દ્વારા ભજવાયેલા ભાઈ-બહેનના અતૂટ હેત-પ્રેમની ઝાંખી કરાવતા કરૂણાસભર સોનબાઈની ચુંદડી નાટકે લોકોની આંખોમાં અશ્રુ છલકાવી દીધા હતા. જ્યારે નાથા બાપાનો ઘર સંસાર કોમિકે હાસ્યરસથી તરબોળ કરી દીધા હતા. પુરુષોએ સ્ત્રીપાત્રની વેશભૂષા ધારણ કરી અદ્દલ સ્ત્રીની લાક્ષણિકતા રજૂ કરી સૌને અચંબિત કરી દીધા હતામહત્વનું છે કે ગૌશાળા યુવક મંડળ દ્વારા ગૌશાળામાં હાલ 400 જેટલા નિરાધાર ગાયોનું પાલનપોષણ કરી સેવા સુશ્રુષા થઈ રહી છે. ગામના યુવકો શ્રમદાન દ્વારા દૂધની ડેરી, બેન્ડ પાર્ટી, ગૌશાળાના કૃષિક્ષેત્રમાં ગાયો માટે લીલા ઘાસચારાનું વાવેતર સહિતના યોગદાન દ્વારા નિઃસ્વાર્થ ગૌસેવા થઈ રહી છે. ગ્રામજનો અને સિરામિક ઉદ્યોગકારોના આર્થિક સહયોગ થકી ભગીરથ સેવા કાર્ય ચાલી રહ્યું છે.ગૌશાળાના પ્રમુખ હરજીવનભાઈ ભાડજા, બાબુભાઈ કાસુન્દ્રા, મહેશભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ગામી, યોગેશભાઈ વાઘડિયા વગેરે અગ્રણીઓએ પંચવર્ષીય દાતાઓ અને મહેમાનોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિહિપ અગ્રણી ભરતભાઈ ભાલોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.