જિલ્લામાં 27 હજારથી વધુ ખેડૂતોએ મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું મોરબી : મોરબી જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ટેકાના ભાવે મગફળી ખરીદીની શુભ શરૂઆત કરવામાં આવી છે. બજાર કરતા ટેકાના ભાવે સારા ભાવ મળતા હોય ખેડૂતોમાં પણ મગફળી વેચવા માટે ઉત્સાહ જોવા મળ્યો છે અને આજે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચવા આવ્યા હતા.મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાય છે. આજે 9 નવેમ્બરથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી છે. મોરબીમાં પણ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે મોરબી અને માળિયા તાલુકાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે 30 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરીને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા અને ખેડૂતોએ પહેલા દિવસે જ તેમની મગફળી લઈને ટેકાના ભાવે વેચાણ કરવા માટે આવ્યા હતા. આ અંગે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડિયાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમો પ્રમાણે મગફળીનું વજન, તેમાં ભેજનું પ્રમાણ વગેરે સહિતની બાબતો તપાસીને ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.