વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને તેમની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે સોમવાર, તારીખ 10/11/2025 ના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 'ખેડૂત આક્રોશ યાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સવારે 10:30 વાગ્યે દિઘલીયા ચોકડીથી શરૂ થશે. આ યાત્રા દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી ની મુખ્ય માંગણી સરકાર સમક્ષ મૂકવામાં આવશે.આ ખેડૂત લક્ષી કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્તરના અને સ્થાનિક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. જેમાં રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા, પૂર્વ ધારાસભ્યો લલિતભાઈ વસોયા, મહમંદ જાવીદ પીરઝાદા, લલિતભાઈ કગથરા, પ્રતાપભાઈ દુધાત (યાત્રાના કન્વીનર), પ્રવીણભાઈ મુછડીયા તેમજ દશરથસિંહ સરવૈયા સહિત અન્ય નેતાઓ હાજર રહેશે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે.