સ્વીફ્ટ કારમાં માતાજીના પ્રસંગમાં જતા સમયે અકસ્માતમાં પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતુંમોરબી : પાંચ દિવસ પૂર્વે વાંકાનેરથી ધ્રાંગધ્રા કંકાવટી ગામે માતાજીના પ્રસંગમાં જતા બ્રાહ્મણ પરિવારની સ્વીફ્ટ કારને મોરબીના લાલપર નજીક બે ડમ્પર ચાલકોએ હડફેટે લઈ ત્રિપલ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં પરિણીતાનું મૃત્યુ નિપજયું હતું.અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી જતા કાર ચાલકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા વેપારી ભાવિનભાઈ પ્રવીણભાઈ રાવલ, તેમના પત્ની ધારાબેન અને પુત્ર નિલ ગત તા.2ના રોજ સ્વીફ્ટ ડિઝાયર કાર લઈ સવારે ધ્રાંગધ્રાના કંકાવટી ગામે માતાજીના પ્રસંગમાં જતા હતા ત્યારે મોરબીના લાલપર નજીક પ્રિયાગોલ્ડ કારખાના સામે જીજે -37 -ટી - 6944ના ચાલકે કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા ધારાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ફરિયાદી ભાવિનભાઈ અને નિલને ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકી નાશી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.