મોરબી : શિક્ષણ ક્ષેત્ર હોય કે કળા ક્ષેત્ર કે મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિના વિકાસ કરવાની વાત હોય, દરેક કાર્યમાં અગ્રેસર રહેનાર એવી મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબ દ્વારા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોમ્પ્યુટર ક્લાસમાં ચાલુ કરાયેલ CCC સર્ટિફાઇડ ફ્રી કોમ્પ્યુટર કોર્સ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કોર્સમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર ક્લાસના શિક્ષિકા હીનાબેન પરમારે સર્ટિફિકેટ આપ્યા હતા. આ રીતે છેલ્લા ત્રણ વર્ષથી 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન નિમિત્તે દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાણીના આર્થિક સહયોગથી કોમ્પ્યુટર ક્લાસમાં આજ સુધીમાં 100 જેટલા આર્થિક રીતે જરૂરિયાત મંદ હોય તેવા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર કોર્સ કે જેની સામાન્ય રીતે ફી ત્રણથી ચાર હજાર રૂપિયા હોય છે તે તદ્દન ફ્રીમાં શીખવાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં ભાવ વિભોર બનેલા બાળકોએ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ તેમજ શિક્ષિકા હીનાબેન પરમારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને આ કોર્સ ભવિષ્યમાં તેઓને આર્થિક રીતે પગભર બનવા માટે ખૂબ ઉપયોગી થશે તેવું જણાવ્યું હતું. ક્લબ પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ કોમ્પ્યુટર ક્લાસ તેમજ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.આ તકે ક્લબના ફાઉન્ડર શોભનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 29 ઓક્ટોબરના રોજ અમારી સંસ્થાને આઠ વર્ષ પુરા થયા છે. આ તકે તેમણે સંસ્થાની સ્થાપના માટે પ્રણેતા તેવા સ્વ. જયંતીભાઈ દંગીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સંસ્થાનું સુયોગ્ય રીતે સંચાલન કરવા જેમની સતત પ્રેરણા મળતી રહે છે તેવા હિતેશભાઈ પંડ્યા સાહેબનો તેમજ તમામ નેશનલ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે આઈપીપી મયુરીબેન કોટેચા પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ, નયનાબેન બારા તેમજ ક્લબના તમામ મેમ્બરોએ મોરબી શહેરમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ જેમના કારણે શક્ય બને છે તેવા તમામ દાતાઓ તેમજ મોરબી શહેરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.