રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગણી સાથે ટીડીઓ અને કલેક્ટરને રજૂઆતમોરબી : મોરબીની ઘુંટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશો દ્વારા રસ્તા, ગટર અને પાણીની સુવિધાઓની માંગણી સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદન આપવામાં આવ્યું છે અને 8 દિવસમાં તમામ સુવિધાઓ જો નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી જિલ્લાના ગામ ઘુંટુમાં રામકો વિલેજ સોસાયટીની સોંપણી આશરે 2 થી 3 માસના સમયથી આપને થઈ ગયેલ છે. પરંતુ સદર સોસાયટીમાં હજુ સુધી કોઈ સાફ સફાઈ કરવા માટે આવતું ન હોવાથી પથ્થર જે સ્થિતિમાં જ્યાં પડ્યા છે ત્યાં જ છે. જેથી આ સોસાયટીના સભ્યોએ ભેગા મળીને કીચડ રમતોત્સવ પ્રોગ્રામ રાખેલ હતો. આ સોસાયટીમાં કચરો લેવા માટે ટ્રેક્ટર આવતું તે પણ ગ્રામ પંચાયત દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને અનેક વાર રજુઆત કરવા છતાં બહાના આપવામાં આવે છે. આ ઉપરાંત આ સોસાયટીના રોડ, રસ્તા પણ બનાવેલ ન હોય કે પેવર બ્લોક પણ નાખેલા ન હોય અને ગટરની સુવિધા પણ ન હોય જેથી બધું પાણી રસ્તા પર વહે છે અને ખાડા - ખાબોચિયામાં ભરાય જાય છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને રોગચાળો ફેલાય છે. આ સોસાયટીમાં રોડ - રસ્તા, ગટરના પાણી રસ્તા પર વહે છે તેની સુવિધા કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે સોસાયટીના રહીશ હિતુભા રાઠોડે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યા 2009થી ઉપસ્થિત છે. હજુ સુધી કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી નથી. ઉપરથી પડયા પર પાટુની જેમ કચરો લેવા જે ટ્રેક્ટર આવતું હતું તે પણ 30 દિવસથી આવ્યું નથી. જેના કારણે ગંદકી પણ જોવા મળી રહી છે. આ અગાઉ અમે કિચડ રમતોત્સવ કરીને પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે જો આગામી આઠ દિવસમાં અમારી સોસાયટીમાં સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.