સરકારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું પેકેજ જાહેર કર્યાનો દાવો રાજ્યના 56 લાખ ખેડૂતો માટે 10 હજારનું પેકેજ અપૂરતું : દેવા માફ કરો મોરબી : સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન,મગ તેમજ અન્ય તૈયાર ખરીફ પાકનો સફાયો થઇ ગયો છે ત્યારે સરકારે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. જો કે, ખેડૂતોને માવઠાને કારણે મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો હોય આ નુકશાન રાહત પેકેજ ઓછું જ લાગી રહ્યું હોવાનું સામે આવ્યું છે.રાજ્યમાં દિવાળી બાદ છેલ્લા બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકારે માત્ર એક જ સપ્તાહમાં સર્વે સહિતની કામગીરી પૂર્ણ કરી લઈ શુક્રવારે ખેડૂતોને 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાહત પેકેજ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.બીજી તરફ કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, સરકારે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ અપૂરતું છે, રાજ્યના 56 લાખ ખેડૂતો માટે 10 હજાર કરોડ અપૂરતા છે. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ રાજ્યમાં છેલ્લી સાત સિઝનથી ખેડૂતને માર પડી રહ્યો છે. જેની સામે સરકાર ઉદ્યોગોના દેવા માફ કરી રહી છે. ત્યારે સરકાર સમક્ષ અમારી માંગ હતી કે, ખેડૂતોના 96 હજાર કરોડના દેવા માફ કરે. સાથે જ પાક વીમો ચાલુ કરે જેથી સરકારને પણ સહાય ન આપવી પડે, સાથે જ ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ કૃષિ પેકેજ પહોંચે ત્યારે ખરું આ સંજોગોમાં અમારી એક જ માંગ છે કે, ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે.