મોરબી : રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. માવઠાના કારણે ખેતરોમાં ઊભા પાકને મોટું નુકસાન થયુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ અને સોયાબીન જેવા મુખ્ય પાકોને વ્યાપક અસર થઈ છે. ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદી પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે.પાક તૈયાર થવાના સમયે જ વરસાદ પડતાં ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે ખેડૂતોને રાહત આપવાના હેતુથી ફરી એકવાર ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ખરીદી શરુ થઈ શકી નહોતી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ હવે, રાજ્ય સરકારે ખેડૂતો દ્વારા પકવેલી મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નવેસરથી નિર્ણય કર્યો છે. સરકારી જાહેરાત મુજબ આ પાકોની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા આગામી 9મી નવેમ્બરથી રાજ્યભરમાં શરુ કરવામાં આવશે. આ નિર્ણયથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને મોટી રાહત મળવાની આશા છે. આ અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જાણકારી જાહેર કરી છે.