સારા-માઠા પ્રસંગને લઈ ઉચ્ચ અધિકારીઓ લાંબી રજા ઉપરમોરબી : એક તરફ કમોસમી વરસાદના કહેર વચ્ચે ખડૂતોને નુકશાની સર્વે ચાલુ છે અને મતદાર યાદી સઘન સુધારણા માટે આજથી કામગીરી શરૂ થઇ રહી છે. સાથે જ આજે રાજ્યના મુખ્યમંત્રી જિલ્લાની મુલાકાતે છે તેવા સમયે જ મોરબી જિલ્લામાં કલેકટર, અધિક કલેકટર લાંબી રજા પર છે. ઉપરાંત ડીડીઓ, સીટી અને તાલુકા મામલતદારની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે અને ઇન્ચાર્જ અધિકારી પણ લાંબી રજા ઉપર ઉતરી ગયા હોય મોરબી જિલ્લામાં સામાન્ય અરજદારોના નાના-મોટા કામ તેમજ અન્ય મહત્વની કામગીરીને માઠી અસર પડી હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લા કલેકટર દિવાળી પૂર્વે રજા ઉપર ઉતરી ગયા છે. કલેકટર કે.બી.ઝવેરી 24 સુધી રજા ઉપર ઉતર્યા હોવાથી જિલ્લા કલેકટરનો ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેને સોંપવામા આવ્યો છે. એ જ રીતે મોરબી ડીડીઓ જે.એસ.પ્રજાપતિની બદલી થતા તેમનો ચાર્જ ડીઆરડીએના નિયામક એન.એસ. ગઢવીને સોંપવામાં આવ્યો હતો. જો કે, તેઓ પણ 45 દિવસની લાંબી રજા ઉપર ઉતરી જતા ડેપ્યુટી ડીડીઓને લુક આઉટ ડીડીઓ તરીકેનો ચાર્જ સોંપવામા આવ્યો છે. નોંધનીય છે કે, ઇન્ચાર્જ ડીડીઓ 03-11 થી 45 દિવસ રજા પર છે.દરમિયાન મોરબી અધિક જિલ્લા કલેકટર પણ કૌટુંબિક કારણોસર રજા પર ઉતરી ગયા છે, અધિક કલેકટર પણ રજા પર હોવાથી અધિક કલેકટરનો ચાર્જ ડેપ્યુટી કલેકટર ઉમંગ પટેલને સોંપવામાં આવ્યો છે. એ જ રીતે મોરબી શહેર મામલતદારની જગ્યા ઘણા સમયથી ખાલી હોવાથી ચાર્જ ડીઝાસ્ટર મામલતદારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોરબી તાલુકા મામલતદારની જગ્યા પણ ખાલી હોવાથી અહીં ડેપ્યુટી મામલતદારને ચાર્જ સોંપી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. હાલમાં ઉચ્ચ અધિકારીઓથી લઈ મામલતદાર સુધીના અધિકારીઓ રજા ઉપર હોવાની સાથે જગ્યાઓ ખાલી હોય અરજદારોની રોજિંદી કામગીરીને અસર પડવાની સાથે મહેસુલી કેસોમાં પણ તારીખ પે તારીખ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.