સાહિલના માતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતા સાહિલને પરત લાવવાના પ્રયાસો શરૂમોરબી : મોરબીનો 22 વર્ષીય યુવાન સાહિલ માજોઠી જે રશિયન આર્મી તરફથી યુદ્ધ લડી રહ્યો હતો. તેને યુક્રેનમાં આત્મસમર્પણ કરી દેતા હાલ તે યુક્રેનમાં બંદી છે. હવે આ પ્રકરણમાં તપાસ કરવા ભારતીય એમ્બસીના અધિકારી ત્યાં જશે અને 3 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સરકાર અને કોર્ટને આપશે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનો 22 વર્ષીય યુવાન માજોઠી સાહિલ મોહમ્મદ હુસેન રશિયા અભ્યાસ માટે ગયો હતો. પરંતુ ત્યાં તે ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયો હતો. આ ગુનામાં તેને રશિયન સશસ્ત્ર દળમાં જોડાવાની ફરજ પડી હતી. આ યુવાન યુદ્ધ લડવા માંગતો ન હતો અને તેને જીવ બચાવવા યુક્રેનિયન સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હાલ તે યુક્રેનમાં બંદી છે. આ મામલે તેના માતા હસીનાબેન માજોઠીએ જણાવ્યું કે અમે મોરબીના એડવોકેટ ચિરાગભાઈ કારીઆ અને સામાજિક કાર્યકર તથા એડવોકેટ દિપાબેન જોશીની મદદથી હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે અમને સાંભળી આદેશ કર્યો છે કે ભારતીય એમ્બસીના અધિકારી ત્યાં જઈ સમગ્ર તપાસ કરે અને 3 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ આપે. આ ઉપરાંત અમારી સાથે સાહિલની વાત કરાવવા પણ કોર્ટે સૂચના આપી છે. હવે અમને આશા છે કે મારો દીકરો પરત જરૂર આવશે.