વરસાદના કારણે જમીન ભીની હોય કામગીરી રોકાવવા મામલતદારને લેખિત રજૂઆતહળવદ : હળવદના રાયસંગપુર ગામના ખેડૂતોએ પાવરગ્રીડ દ્વારા 765 કેવી લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનનું કામ ચાલી રહ્યું છે તેની સામે વાંધાઓ રજૂ કરીને કામગીરી અટકાવવા અંગે હળવદ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, રાયસંગપુર ગામે લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટનું કામ શરૂ કરતાં પહેલા સ્થળ પર રૂબરૂ પંચરોજકામ કરવામાં આવે અને કામ પૂર્ણ થયા બાદ પણ પંચરોજકામ કરવામાં આવે. હાલ કમોસમી વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાયા છે તેમ છતાં પાવરગ્રીડ કંપની દ્વારા ખેતરમાં કામ કરવામાં આવી રહ્યું છે અને ભારે વાહનો ખેતરમાં ચલાવવામાં આવે છે. જેથી જમીન ટોરાઈ જાય છે અને બિનઉપજાવ બની જાય છે. તેથી ખેડૂતોને નુકસાની થઈ રહી છે. વિજલાઈનમાં જે નુકસાની મળવાપાત્ર હોય ત વિસ્તારમાં ફરજિયાત ફેન્સિંગ કરી કોરીડોર બનાવવો અને ત્યારબાદ કોરીડોરવાળા અંદરના ભાગે કામ શરૂ કરવું. કામ શરૂ કરતાં પહેલા પાક નુકસાનીનું શું વળતર મળશે તેની વિગતો આપવામાં આવે. જો કંપની દ્વારા ખેતરમાં તાર નાખવા માંગતા હોય તે તે જગ્યા પર પાણી બોર, સંપ, પાકા મકાનનું નુકસાનીનું જે-તે સમય મુજબનું વળતર ચુકવવાનું રહેશે. પાઈપલાઈનનું ભંગાણ કરવામાં આવશે તો તેનું પણ વળતર ચુકવવું પડશે. આમ કંપની દ્વારા કામગીરી દરમિયાન જે-જે નુકસાન કરવામાં આવશે તેનું યોગ્ય વળતર ચુકવવું પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું છે. સાથે જ રાયસંગપુર ગામના ખેડૂતોએ વીજલાઈન નાખવા સામે સંપૂર્ણ વિરોધ નોંધાવ્યો છે અને સરકાર સમક્ષ વૈકલ્પિક વ્યવસ્થા કરી ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે.