મોરબી: મોરબીના સખી વન સ્ટોપ સેન્ટર (OSC) ખાતે 181 અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા એક યુવતીનું સફળ કાઉન્સેલિંગ કરીને તેને મોટી મુશ્કેલીમાંથી બચાવવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથ જિલ્લાના ધામળેજ ગામની વતની અને મોરબીની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 18 વર્ષ પૂર્ણ કરેલી એક યુવતી તા. 26-10-2025ના રોજ સાંજે 8 વાગ્યે 181 દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર પર મદદ માટે પહોંચી હતી.યુવતીએ જણાવ્યું કે એક યુવકના સંપર્કમાં આવ્યા બાદ તેણે યુવતીને જબરદસ્તીથી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવક પાસે યુવતીના ખાનગી મેસેજ અને ફોટા હતા, જે વાયરલ કરવાની અથવા આત્મહત્યા કરી યુવતીનું નામ લખાવવાની ધમકી આપીને હેરાનગતિ કરતો હતો. યુવતી ડરના માર્યા પરિવાર પાસે જઈ શકી ન હતી અને મદદ માટે સખી સેન્ટર આવી હતી.સખી વન સ્ટોપ સેન્ટરે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું અને બે દિવસ માટે આશ્રય આપ્યો. તા. 27-10-2025 ના રોજ યુવતીનો પરિવાર અને ધમકી આપનાર યુવકને OSC પર બોલાવવામાં આવ્યા હતા. સંયુક્ત બેઠક (Joint Meeting) યોજીને યુવકને યોગ્ય કાયદાકીય સલાહ સૂચનો આપી, ભવિષ્યમાં યુવતીને હેરાન ન કરવા માટે સમજાવવામાં આવ્યો. યુવકના ફોનમાંથી તમામ મેસેજ અને ફોટા સ્થળ પર જ ડિલીટ કરાવી નાખવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં યુવતીનું શોષણ ન થાય. યુવતીએ પણ તેના માતા-પિતા, ભાઈ-બહેન સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા, તેને રાજીખુશીથી પરિવારને સોંપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સમયસર હસ્તક્ષેપથી યુવતીને ધમકી અને હેરાનગતિમાંથી મુક્તિ મળી હતી.