2022માં 5 વર્ષના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સાથે બનાવવામાં આવેલા રોડની જર્જરીત હાલત : વાહનચાલકોને ભારે હાલાકીમોરબી: મોરબીનો લીલાપર રોડ અત્યંત જર્જરિત હાલતમાં છે, જેના પર ઠેર ઠેર મોટા ખાડા પડી જતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. આ ખાડાઓના કારણે અકસ્માતોની ઘટનાઓ પણ વધી છે.લીલાપર રોડ પર સ્મશાનની સામેના ભાગમાં ખાડામાં પાણી ભરાયેલું હોવાથી એક માલવાહક રીક્ષા અચાનક પલટી ખાઈ ગઈ હતી. આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2022માં પૂર્ણ કરવામાં આવ્યો હતો. રોડનું કામ કોન્ટ્રાક્ટરને 5 વર્ષના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સાથે સોંપાયું હોવા છતાં, હાલ રોડ તૂટી જતાં કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.આ રોડ અગાઉ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક હતો, જે હવે મહાપાલિકાને સોંપવામાં આવ્યો છે. આ મામલે માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર બાવરવાએ જણાવ્યું હતું કે, રોડના સમારકામ માટે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવશે. તેમને રોડ પરના ખાડા ઝડપથી બુરીને યોગ્ય કરવા માટે આદેશ આપવામાં આવશે.