ઉઘરાણીની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા બાદ તે રકમનો ચેક પેઢીમાં આપ્યો હતો, આ ચેક રિટર્ન થવાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો મોરબી : ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ કર્મચારીએ પેઢીની ઉઘરાણીની રકમ અંગત હેતુ માટે વાપરી તે રકમ પેઢીને ચુકવવા માટે આપેલ ચેક વણચૂકવ્યે પરત થતા પેઢીના ભૂતપૂર્વ કર્મચારી રત્નવિર જીવરામભાઈ શુકલને બે વર્ષની સજા, ડબલ રકમનો દંડ અને વ્યાજ સહિત રકમ ચૂકવી અપાવવાનો કોર્ટે હુકમ કર્યો છે.કેસની હકિકત જોઈએ તો, ફરીયાદી મોરબીના વતની મે. શ્રી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનભાઈ વલ્લભદાસ ભોજાણી, આરોપી અમદાવાદના વતની રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ કે જેઓ ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સમયથી સેલ્સમેન તરીકે નોકરી કરતા અને ઉત્પાદિત માલનું વેંચાણ કરતા હતા, આરોપીએ ફરિયાદી પેઢીના ઉત્પાદીત માલનું વેચાણ કરી અને તે માલની આવેલ રકમ રૂ.૬,૩૩,૨૫૧/- પેઢીમાં જમા નહી કરાવતા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખેલ હતા. ફરીયાદી પેઢીએ આરોપી પાસે ઉઘરાણી કરતા આરોપી એ રૂ.૬, ૩૩,૨૫૧/- નો ચેક ફરીયાદીને આપેલ અને આ ચેક ફરીયાદીએ નાણા વસુલવા તેના ખાતામાં રજૂ કરતા, ચેક વણચૂકવ્યે પરત થતાં, ફરીયાદીએ આરોપીને નોટિસ આપતા, આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા, ફરીયાદી મે. શ્રી ગીતા જીનીંગ એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર નગીનભાઈ વલ્લભદાસ ભોજાણીએ આરોપી રત્નવીરભાઈ જીવરામભાઈ શુકલ વિરૂધ્ધ મોરબી કોર્ટમાં, ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી. આ કેસ ચાલી જતાં, ફરીયાદી પક્ષે રજૂ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે. જે. ગઢવી સાહેબે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી રકમ ચૂકવ્યા સુધી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯% વ્યાજ વળતર પેટે ચુકવી આપવાનો અને તેમ કરવામાં કસૂર કર્યે વધુ ૯૦ દિવસની સજા ફરમાવવાનો મહત્વનો ચૂકાદો જાહેર કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રવી કે.કારીયા, મનિશ કે. ભોજાણી, દયારામ એલ.ડાભી અને અતુલ સી.ડાભી રોકાયેલા હતા.