જૂની પીપળી પાસેની ત્રિલોકધામ સોસાયટીમાં પાણી નિકાલના પ્રશ્ને સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી લડત શરૂ કરી : લાંબો ટ્રાફિકજામ મોરબી : મોરબીમાં હવે જનઆંદોલનો સામાન્ય બની ગયા છે. પ્રજા પોતાની સમસ્યા તંત્રના કાન સુધી પહોંચાડવા એક પછી એક જનઆંદોલનો છેડી રહી છે. તેવામાં આજે સતત ધમધમતા મોરબી-જેતપર હાઇવે ઉપર લોકોએ ચક્કાજામ કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે વિગતો આપતા સ્થાનિકોએ જણાવ્યું કે જૂની પીપળી પાસે આવેલ ત્રિલોકધામ સોસાયટીમાં 103 મકાન આવેલા છે. અહીં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સતત પાણી ભરેલા રહે છે. જેને કારણે 2 વ્યક્તિને તો સાપ કરડ્યા હોવાના બનાવ પણ બન્યા છે. આ ઉપરાંત અહીં છાસવારે વાહનો પણ બગડી જાય છે. આ સમસ્યા મામલે અનેકવાર સ્થાનિકોએ તંત્રને રજુઆત કરી હતી. તંત્ર દ્વારા માત્ર થઈ જશે તેવી હૈયાધારણા જ આપવામાં આવતી હતી. પરંતુ હવે સ્થાનિકોની સહનશક્તિ ખૂટી પડતા શિવપરાના ગેટ પાસે હાઇવે ઉપર ચક્કાજામ શરૂ કરવામાં આવ્યો છે. હવે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ આવી કામ શરૂ નહીં કરાવે ત્યાં સુધી અહીથી ચક્કાજામ હટાવવામાં આવશે નહિ. તેમ અંતમાં સ્થાનિકોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ રોડ સતત ધમધમતો હોવાથી આ ચક્કાજામને કારણે લાંબો ટ્રાફિક સર્જાયો છે.