મારવાડી નસલનો 2 વર્ષનો આ વછેરો તા.3એ રીંગમાં ઉતરી મોરબીનું ગૌરવ વધારશે : અગાઉ પણ તેને એક સ્પર્ધા જીતેલી છેમોરબી : વિશ્વ વિખ્યાત પુષ્કર મેળામાં મોરબીનું ગૌરવ એવો 2 વર્ષનો અશ્વ દેવાંશ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ અશ્વ તા.3એ રીંગમાં ઉતરવાનો છે. જેમાં તે પહેલા નંબરે વિજેતા બને તેવી પ્રબળ શકયતા સેવાઈ રહી છે. હાલ તો આ અશ્વની સુંદરતાએ સૌ કોઈને આકર્ષિત કર્યા છે.રાજસ્થાનનો પુષ્કરનો મેળો જે સદીઓથી આવતી પરંપરા છે. અહીં પશુઓના મેળા યોજાઈ છે. પશુઓની અનેક સ્પર્ધાઓ પણ યોજાઈ છે. જેમાં દેશભરમાંથી પશુપાલકો આવે છે. સાથે મોટી સંખ્યામાં વિદેશથી પર્યટકો પણ ખાસ આ મેળાને માણવા આવે છે. આ મેળામાં ખાસ અશ્વ, ઊંટ અને ગૌવંશની સ્પર્ધાઓ થાય છે. સાથે તેનું ખરીદ-વેચાણ પણ થાય છે. અહેવાલ મુજબ આ વર્ષે મેળામાં 6 હજારથી વધુ પશુઓ લાવવામાં આવ્યા છે. પુષ્કરના મેળામાં મોરબીના અશ્વ દેવાંશને પણ લઈ જવામાં આવ્યો છે. દેવાંશ મોરબીના કર્મ ફાર્મમાં રહે છે. તેના માલિક એવા મનોજભાઈ ગોધાણી અને સંજયભાઈ ગોધાણીએ જણાવ્યું કે તેઓને અશ્વનો ભારે શોખ છે. તેઓ અને તેમનો પરિવાર દેવાંશને પરિવારનો સભ્ય જ માને છે. દેવાંશ ઉત્તમ મારવાડી નસલનો વછેરો છે. તેની ઉપર માત્ર 2 વર્ષ જ છે. આ નસલના ઘોડા 5 વર્ષની આસપાસ પુખ્ત વયના થાય છે. દેવાંશ હજુ વછેરો હોવા છતાં પણ તેની કદ-કાઠી અને સુંદરતા ભલભલા અશ્વોને ઝાંખા પાડી દયે તેવા છે. દેવાંશને લઈને જ્યારથી પુષ્કરના મેળામાં આવ્યા છીએ. ત્યારથી લોકો તેને જોવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લોકો દેવાંશના ભરપેટ વખાણ કરી રહ્યા છે. દેવાંશ હવે તા.3ના રોજ રીંગમાં ઉતરવાનો છે. રીંગમાં તેની કાયા, સુંદરતા સહિતના માપદંડને આધારે નંબર આપવામાં આવશે. જે સ્પર્ધામાં દેવાંશ પ્રથમ નંબરે વિજેતા બનશે તેવો અમને વિશ્વાસ છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેવાંશ જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે તેને બનાસકાંઠાના જસરામાં આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાની મિલ્ક ટીથ કેટેગરીમાં દેવાંશ વિજેતા થયો હતો. દેવાંશનો પિતા 'કેસરિયા' વિશ્વ વિખ્યાત છે મનોજભાઈ ગોધાણીએ જણાવ્યું કે દેવાંશના પિતા 'કેસરિયા' છે. આ અશ્વ જામનગરનો છે. જેની નસલ મારવાડી છે. આ અશ્વ તેની સુંદરતા અને મજબૂત કાયાને કારણે વિશ્વ વિખ્યાત છે. આ અશ્વ માટે તેના માલિકને રૂ.10 કરોડથી પણ વધુ કિંમત આપવાની ઓફરો મળી છે. પણ તેના માલિકે આ ઓફર ઠુકરાવી દીધી છે. દેવાંશની માતાનું નામ અજુરા છે. બન્નેની ઉત્તમ નસલને કારણે દેવાંશ હજુ 2 વર્ષની વયમાં જ ભલભલા અશ્વને ઝાંખા પાડી દયે છે.દેવાંશને પુષ્કર આવવા-લાવવામાં જ રૂ.5 લાખ જેટલો ખર્ચમનોજભાઈ ગોધાણી જણાવે છે કે અશ્વનો શોખ હોવાથી તેઓ ક્યારેય દેવાંશ પાછળ થતા ખર્ચને ગણકારતા નથી. કારણકે દેવાંશ તેમને ખૂબ વ્હાલો છે. દેવાંશને ખાસ હોર્સ એમ્બ્યુલન્સ મારફત પુષ્કર લાવવામાં આવ્યો છે. તેમાં જ તેને પરત લઈ જવાશે. આ દરમિયાન રસ્તામાં તેને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.