મોરબી: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડના સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે વિચરતી-વિમુક્ત જાતિ (NT-DNT) સમુદાયના આગેવાનો સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના NT-DNT આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.આ તકે ભરતભાઈ પટણીને મોરબીન સુરેશભાઈ પી. શિરોહીયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગામી ગુજરાત રાજ્યની સ્થાનીક ચૂંટણીઓમાં (નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં) વિચરતી-વિમુક્ત જાતિને સ્પેશિયલ કેટેગરી અનામત આપવા અંગે ભલામણ કરવા અપીલ કરાઈ હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે ઝવેરી પંચનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત થયેલ છે, જેના આધારે આ સમાજને રાજકીય, શૈક્ષણિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકારી યોજનાઓમાં અગ્રતા આપવા, બોર્ડ-નિગમ અને વિવિધ સરકારી વિભાગોમાં સ્થાન આપવા માટે રાજ્ય સરકારને સૂચના/ભલામણ કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચુંવાળીયા કોળી સમાજને પણ લાભ આપવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે ભરતભાઈ પટણીએ રાજકોટની રૈયાધાર વસાહતની મુલાકાત લીધી હતી અને રહીશોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી. મુલાકાત બાદ, તેમણે તાત્કાલિક ધોરણે વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર સહિતના અધિકારીઓને વસાહતમાં સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈનની વ્યવસ્થા કરવા અને નિયમિત સફાઈ કામ કરાવવા તેમજ વીજળીની અપૂરતી સુવિધાઓ હોવાથી અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પૂરી પાડવા સુચના આપી હતી. આ ઉપરાંત, મિટિંગમાં NT-DNT સમુદાયના લોકો માટે આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતોમાં ચાલુ કરવા અંગે ચર્ચા થઈ હતી. શાકભાજીનો વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા અને મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાનું બંધ કરવા માટે કમિશનરને હુકમ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ મિટિંગમાં મોરબી જિલ્લામાંથી સુરેશભાઈ પી. શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર અને મંત્રી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સુખદેવભાઈ દેલવાણીયા (પ્રભારી, કચ્છ જિલ્લા યુવા ભાજપ), વસંતલાલ ડી. વ્યાસ (ઉપ પ્રમુખ, વ્યાસ પ્રગતિ મંડળ મોરબી), તેમજ કોળી સમાજના આગેવાન અજયભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.