મોરબી: મોરબી તાલુકામાં તારીખ 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2025 દરમિયાન પડેલા કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે મોરબી તાલુકા સરપંચ એસોસિયેશને જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીને રજૂઆત કરી છે. તેમજ સરપંચ એસોસિયેશન દ્વારા તાત્કાલિક પાક નુકસાની સહાય આપવાનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકામાં 80 એમ.એમ.થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અતિશય વરસાદને લીધે ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે, જેના કારણે જગતનો તાત (ખેડૂત) મોટી મુશ્કેલીમાં મુકાયો છે. તેમજ ખેતરોમાં પાણી ભરાવાથી અને કાચા માર્ગો પર કાદવ-કિચડને લીધે ગાડા માર્ગો પર પણ અવર-જવર શક્ય નથી. ત્યારે એસોસિયેશને સરકાર પાસે કોઈપણ જાતના સર્વે વિના તાત્કાલિક પાક નુકસાનનું પેકેજ જાહેર કરવા અને ખેડૂતોના લોન અને ધિરાણ માફ કરવા માટે માંગણી કરી છે. સર્વેની પ્રક્રિયા ઘણી લાંબી હોવાથી, સરકારી આંકડાઓ (વરસાદના આંકડા)ના આધારે તરત જ સહાયની જાહેરાત કરવામાં આવે તેવી અપીલ સરકારને કરવામાં આવી છે.