ઇન્ટરનેશનલ માર્કેટને બદલે ઉંચા ભાવે વેચાણ સામે સીરામીક ઉદ્યોગની આપાતકાલીન બેઠક મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ દ્વારા પાઈપલાઈન નેચરલ ગેસના વિકલ્પે વપરાશમાં સસ્તો પડતો પ્રોપેન અને એલપીજી ગેસ વાપરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પ્રોપેન સપ્લાય કરતી કંપની દાદાગીરી કરી ઇન્ટરનેશનલ માર્કેટમાં ગેસના ભાવ ઘટી ગયા હોવા છતાં પ્રતિ ટન 5000 રૂપિયા ઉંચા ભાવે ગેસ સપ્લાય કરવામાં આવતો હોવાથી આજે શનિવારે આપત કાલીન બેઠક બોલાવી સીરામીક એસોશિએશન દ્વારા હવેથી ઉદ્યોગને સિન્ડિકેટ કરી લૂંટ ચલાવતા ડીલરો પાસેથી ગેસ નહીં ખરીદવા નિર્ણય લીધો છે. મોરબી સીરામીક એસોસીએશનના સત્તાવાર જણાવ્યા મુજબ પ્રોપેન અને એલપીજીના ભાવ છેલ્લા ત્રણ મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટી રહ્યા હોવા છતાં પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઈઝ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ એક્સપોર્ટ થતી હોઈ ઉંચા ભાવનો ગેસ વપરાશ કરતા પડતર કિંમત ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી .બીજી તરફ ગેસ કંપનીઓની મોનોપોલી અને સિન્ડિકેટ સામે મોરબીનો સીરામીક ઉદ્યોગ લાલઘૂમ થયો છે. ગેસના ભાવમાં લૂંટ મુદ્દે શનિવારે મોરબી સીરામીક એસોશિએશન અને અગ્રણી ઉદ્યોગકારોની આપતકાલીન બેઠક યોજવામાં આવી હતી.વધુમાં આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000 રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવમાં પ્રોપેન સપ્લાય કરવામાં આવે છે. જેથી આ મુદ્દાની ગંભીરતા લઇ ઉદ્યોગકારો દ્વારા વધુ દાદાગીરી કરતી કંપની પાસેથી પ્રોપેનની ખરીદી બંધ કરવા સામુહિક નિર્ણય લેવામાં આવ્યો હતો.