મોરબી: મોરબી ક્રાઇમ બ્રાંચ (LCB) એ કંડલા બાયપાસ રોડ પર જુના આર.ટી.ઓ. કચેરી પાસેથી એક ઓટો રીક્ષામાંથી ગેરકાયદેસર રીતે છુપાવેલો રૂ. 1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે ફરાર છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે 01/11/2025ના રોજ, ક્રાઇમ બ્રાંચને ખાનગી રાહે માહિતી મળી હતી કે રવીરાજ ચોકડી તરફથી આવતી એક ઓટો રીક્ષા (રજી.નં. GJ20V1204) માં ચોર ખાનું બનાવીને દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવતા, દારૂ ભરેલી રીક્ષા તેમજ તેની આગળ પાયલોટિંગ કરી રહેલી અન્ય એક રીક્ષા (રજી.નં. GJ03BX 8216) ને ઝડપી પાડી હતી.પોલીસે દારૂ ભરેલી રીક્ષામાંથી સુરજ રાજેશભાઇ તીવારી (રહે. રાજકોટ, મૂળ યુ.પી.) નામના એક આરોપીને દબોચી લીધો જ્યારે દારૂના જથ્થાનું પાયલોટિંગ કરી રહેલી રીક્ષાના ચાલક અને તેની સાથેના અન્ય બે ઈસમો, મુન્નો પલીત અને શાહરૂખ (બંને રહે. રાજકોટ) પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા. પોલીસે દારૂ ભરેલી રીક્ષાના પાછળના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી રૂ. 1,29,600 ની કિંમતની 96 અંગ્રેજી દારૂની બોટલો, મોબાઈલ , રિક્ષા સહિત રૂ. 2,39,600/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ફરાર આરોપીને ઝાડપવા કાર્યવાહી હાથ ધરાઈ છે.