હવે રાજ્યના વાતાવરણમાં ટાઢોળુ રહેશે, હિમાલય પ્રદેશમાં હિમવર્ષાનો દૌર શરૂ થશે : હવામાન નિષ્ણાત રમેશ બસિયાની આગાહીટંકારા : અરબી સમુદ્રમાં રચાયેલું ડિપ્રેશન નબળું પડતાં ગુજરાતને માવઠાના માહોલથી છુટકારો મળશે. વેલમાર્ક લો પ્રેશર ઉત્તર તરફ આગળ વધ્યું છે, જેના કારણે આવતી કાલથી માવઠામાં રાહત મળશે. હિમાલયના હિમવર્ષા થવાની સાથે ગુજરાતમાં હવે ટાઢોળું વાતાવરણ છવાઈ જશે. તેવી હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)એ આગાહી કરી છે.વધુમાં તેઓએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન નોર્મલની આસપાસ ૩૦ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે લઘુત્તમ તાપમાન ૨૦થી ૨૨ ડિગ્રી છે, એટલે કે નોર્મલ કરતાં ૨ ડિગ્રી ઊંચું. તા. ૩થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયને અસર કરશે. ૩થી ૫ નવેમ્બર દરમિયાન હિમાચલમાં હિમવર્ષા થવાની શક્યતા છે. ૫ તારીખથી ઉત્તરપૂર્વના સૂકા પવનો શરૂ થશે, અને ૬ તારીખથી તાપમાનમાં થોડો ઘટાડો થશે. લઘુત્તમ તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચી જશે, જેનાથી નોર્મલ તાપમાન તરફ વલણ આવશે અને ગુજરાતમાં ઠંડીનો એહસાસ થવા લાગશે.