દુકાનદારોને વિતરણ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલરાજ્યમાં 1 નવેમ્બરથી રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરાશે ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ રેશનકાર્ડ ધારકોને માહે નવેમ્બર-૨૦૨૫ માટે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ 1લી નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે અંત્યોદય (AAY) અને PHH (NFSA) લાભાર્થીઓ અનાજના લાભથી વંચિત ન રહે.75 લાખથી વધુ કુટુંબોની અંદાજે 3.25 કરોડ જનસંખ્યા માટે આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા (NFSA) હેઠળ ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનું વિતરણ રાહતદરે કરવામાં આવે છે.જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન સીંગતેલ અને વધારાની ખાંડનું રાહતદરે વિતરણ માત્ર ગુજરાત રાજ્યમાં જ કરવામાં આવે છે. મોટાભાગના આવશ્યક ચીજવસ્તુઓના ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થઈ ગયા છે અને તેના નાણાંની ભરપાઈ પણ થઈ ચૂકી છે.વાજબી ભાવની દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમના ભાગરૂપે દર મહિને નિયમિતપણે રૂ. 20,000 તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાત રાજ્યમાં જ આ મિનિમમ રૂ. 20,000 કમિશનની રકમ ચુકવવામાં આવે છે. સપ્ટેમ્બર-2025 સુધીના તમામ કમિશનની રકમની ચુકવણીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. વાજબી ભાવના દુકાનદારો દ્વારા હાલમાં મિનિમમ રૂ. 30,000 પ્રતિમાસ કમિશનની માગણી કરવામાં આવી છે, જે નીતિ વિષયક હોવાથી રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે.આ યોજનાના અમલમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધેલ છે. મંત્રીની સૂચના મુજબ, ડોર સ્ટેપ ડિલિવરી સમયે ગ્રામ્ય/શહેરી તકેદારી સમિતિનાં ઓછામાં ઓછા 50% સભ્યોનું બાયોમેટ્રિક/ઓટીપી બેઇઝડ વેરિફિકેશન 31/12/2025 સુધી લેવાનું રહેશે. રાજ્ય સરકાર દ્વારા તમામ રેશનકાર્ડધારકોને તેમના હકનો અનાજનો જથ્થો સમયસર મળી રહે તે માટે દુકાનદારોને વિતરણ પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.