7 દિવસના સર્વે પૂર્ણ કરવા આદેશ : વીસીઇ મારફત ઓનલાઈન સર્વે કરી ગાંધીનગર ડેટા મોકલાશેમોરબી : મોરબી જીલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયુ છે. જેને પગલે જીલ્લામાં 29 ટીમોની રચના કરી તેને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આ ટિમો 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ તૈયાર કરવાની છે. મોરબી જીલ્લામાં માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે. ત્યારે નુક્સાનીનો સર્વે થાય તેવી પ્રબળ માંગ ઉઠી હતી. પરિણામે સરકારે સર્વેના આદેશ આપતા તમામ જીલ્લાઓમાં તંત્ર સર્વેના કામે લાગી ગયું છે. મોરબી જીલ્લામાં પણ 29 ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકામાં 6, હળવદ તાલુકામાં 6, માળિયા તાલુકામાં 5, ટંકારા તાલુકામાં 5 , વાંકાનેર તાલુકામાં 7 ટિમો બનાવાય છે. આ તમામ ટિમો 346 ગામોમાં 7 દિવસની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરશે. એક ટીમમાં 2 ગ્રામ સેવક, તલાટી, સરપંચ, ઉપસરપંચ અને આગેવાનોનો સમાવેશ કરાયો છે. આ ટિમો ઓફલાઇન સર્વે કરવાની છે. આની સાથે ઓનલાઈન સર્વે પણ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. વીસીઇ મારફત ફોટો અને અરજી સહિતની સામગ્રી અપલોડ કરીને ગાંધીનગરના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે. જ્યાં સેટેલાઇટ ઇમેજ સાથે સામગ્રીને સરખાવીને નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે મોરબી જીલ્લામાં 3,08,854 હેકટર જમીન ઉપર વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ 2,08,000 હેકટરમાં કપાસ અને 72,300 હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું.