સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાયાટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણી અનોખા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. સરદાર વંશજ સોશિયલ ગ્રૂપ અને સમગ્ર સરાયા ગામના આગેવાનોએ મળીને અખંડ ભારતના શિલ્પી અને રાષ્ટ્રના એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કર્યું.સરાયા ગામ સ્થિત શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરના વિશાળ પટાંગણમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3:00 વાગ્યે રાસ-ગરબાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં સ્થાનિક મહિલાઓ, યુવાઓ અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સરદાર પટેલની પ્રતિમાનું ગૌરવપૂર્ણ અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે સરદાર વંશજ સોશિયલ ગ્રૂપ અને સરાયા ગામના યુવાનોએ વિશેષ મહેનત અને આયોજન કરી આ ક્ષણને ઉજવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા ગૂંજી ઉઠ્યા અને ગામમાં દેશપ્રેમનો અનોખો માહોલ સર્જાયો હતો. સરદાર પટેલની મૂર્તિનું અનાવરણ ગામના ઇતિહાસમાં સોનેરી પળ તરીકે યાદ રહેશે અને આવતી પેઢીને રાષ્ટ્રનિર્માતાના આદર્શો તરફ પ્રેરણા આપશે.તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.