તા.1એ મંડપ મુહૂર્ત સાથે ભવ્ય વરઘોડો નીકળશે, તા.2એ ગામનો ધુમાડાબંધ જમણવાર બાદ જાન ખોખડદડ જશે, જ્યાં રાત્રે ફેરા વિધિ, તા.3એ સવારે જાન પરત ફરશે ત્યારે સામૈયા થશેમોરબી : હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું અનેરૂ મહત્વ છે. ઠેક-ઠેકાણે આ પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોરબીના ખરેડા ગામે તો તુલસી વિવાહની ભવ્યાતી ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઠાકરની જાનને હેલિકોપ્ટરમાં લઇ જવામાં આવનાર છે. હાલ સમગ્ર ગામમાં આ ઉજવણીને લઈ હર્ષોલ્લાસ છવાયેલો છે. આ અંગે ગ્રામજનોએ વિગતો આપતા જણાવ્યું કે ખરેડામાં સમસ્ત ગામ દ્વારા તુલસી વિવાહની ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા.1ના રોજ મંડપ મુહૂર્ત યોજવામાં આવશે. ત્યારબાદ વરઘોડો આખા ગામમાં ફરશે. બીજે દિવસે તા.2ના રોજ બપોરે ગામનો ધુમાડાબંધ જમણવાર રાખવામાં આવ્યો છે. જેમાં તમામ લોકો એક સાથે પ્રસાદી ગ્રહણ કરશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે ઠાકરની જાન ખોખડદડ ગામે બંધવાળા મેલડી માતાજીની જગ્યાએ જવા રવાના થશે. આ જાન હેલિકોપ્ટરમાં જશે. ખોખડદડ ગામે રાત્રે ફેરા વિધિ થશે. ત્યારબાદ બીજા દિવસે જાન હેલિકોપ્ટરમાં જ પરત ફરશે. જાન પરત આવતા ખરેડા ગામે તુલસીજીનું સામૈયું કરવામાં આવશે. આ ઉજવણીના દાતા હરેશભાઇ નારણભાઈ કુગશિયા રહ્યા છે. જેઓ મૂળ ખરેડાના વતની છે અને હાલ રાજકોટ સ્થિત છે. તુલસી વિવાહની આ ભવ્ય ઉજવણીને પગલે ગામમાં ઉત્સાહ છવાયો છે. ગામમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.