ફોટો મંદિરથી શિખર મંદિર બનાવીને માતાજીની આરાધના કરવા અને કૃપા મેળવવા માટે પ્રેરણા આપતા ગોવિંદભાઈ વરમોરા મહેસાણા : મહેસાણાના બહુચરાજી તાલુકાના કરણપુરા ગામે દાતાઓના સહયોગથી ઉમા મંદિરનો ત્રિ દિવસીય પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ધૂમધામથી ઉજવાયો હતો. આ મહોત્સવમાં મહાકાલેશ્વર મહાદેવજી, ઉમિયા માતાજી, રામ દરબાર અને રાધાકૃષ્ણની મૂર્તિઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મહોત્સવ પ્રસંગે ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ બાબુભાઈ જે. પટેલ, પૂર્વ ઉપપ્રમુખ ગોવિંદભાઈ વરમોર, માનદ મંત્રી જયંતીભાઈ પટેલ, સહમંત્રી મહેન્દ્રભાઈ વકીલ, હિતેશભાઈ પટેલ (લાલો), ભરતભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ (બેચરાજી) સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભગતનું ગામ સાયલાના મહંત દુર્ગાદાસજી મહારાજ અને ગુરુ તુલસીદાસ મહારાજની પણ ઉપસ્થિતિ રહી હતી.ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જે. પટેલે સંબોધનમાં તેમણે પાટીદાર સમાજના વિકાસ માટેની સખત મહેનતને બિરદાવી હતી. તેમણે સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ગામડાઓ સાથેનો નાતો જાળવી રાખવા માટે વર્ષે એક વખત ગામની મુલાકાત લેવા સૂચક સંબોધન કર્યું હતું. ગોવિંદભાઈ વરમોરાએ 'જ્યાં વસે પાટીદાર ત્યાં વચ્ચે ઉમિયા માતાજીનું મંદિર'ના સૂત્રને સાર્થક કરવા માટે સૌને ફોટો મંદિરથી શિખર મંદિર બનાવીને માતાજીની આરાધના કરવા અને કૃપા મેળવવા માટે પ્રેરણા આપી હતી. માનદ મંત્રી જયંતીભાઈ પટેલે ઊંઝા સંસ્થાનના ભવ્ય ઇતિહાસની ઝલક આપી હતી અને જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા સમાજ માટે ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓનો લાભ જરૂરિયાતમંદ પરિવારો અને આગળ વધી રહેલા યુવાન-યુવતીઓને મળશે. મહંત દુર્ગા દાસજી મહારાજે જણાવ્યું હતું કે, મંદિર બનાવ્યા પછી તેની જાળવણી અને દરરોજ ભક્તિભાવ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમને સૌપ્રથમ માતા-પિતાની સેવા કરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, મા-બાપના પ્રતાપે જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે. મહોત્સવના સમાપન સમયે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કરણપુરા ગામના દાતાઓ અને સમસ્ત ગ્રામજનોની સતત મહેનતથી આ ધાર્મિક મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.